આજથી એટલે કે 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જેમાં ઇયરબડ્સ, સિગારેટના પેકેટો, પ્લાસ્ટિકના ઝંડા, કેન્ડી અને આઇસક્રીમ રેપ્સ, સજાવટ, ફુગ્ગાઓ, પ્લાસ્ટિકના ગ્લાસ, કપ, પ્લેટો, કટલરી, ટ્રેઝ, પેકેજિંગ અથવા રેપિંગ વેચી કે આયાત કરી શકશો નહીં. પરંતુ આજે પ્લાસ્ટિક આપણા જીવનનું એક અમૂલ્ય અંગ બની ગયું છે તે કહેવું ખોટું નથી. લોકો સવારથી લઈને રાત સુધી વિવિધ રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા રહે છે. જેનાથી રસોડાનું વસ્તુઓ પણ બાકાત નથી. ફરીદાબાદની એકાર્ડ હોસ્પિટલના ચેરમેન ગૅસ્ટ્રોએટરોલોજી, ડો.આર.સી સોની જણાવે છે કે, પ્લાસ્ટિક સ્વાસ્થ્ય કેટલું ખતરનાક સાબિત થઇ શકે છે.
પ્લાસ્ટિક જ નહીં પરંતુ બોટલ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પ્લાસ્ટિકની બોટલમાં નીચે લખેલા કોડથી ખબર પડે છે કે, બોટલનો બીજી વાર ઉપયોગ કરી શકાય કે નહીં. બોટલની નીચે ઘણાં પ્રકારના કોડ લખેલા હોય છે,પરંતુ જો PETE અથવા PET લખેલું હોય તો, આ બોટલનો બીજીવાર ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. PETE અથવા PETનો અર્થ થાય છે કે, આ બોટલમાં પોલિથિલીન ટેપેફથાલેટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે કે જો આ બોટલનો બીજીવાર ઉપયોગ કરવામાં આવે તો પ્લાસ્ટિકમાં રહેલું કેમિકલ શરીરમાં જઈને કેન્સર જેવી ઘાતક બીમારી કરી શકે છે.
આપણને સરળતાથી મળી જાય તે કોઈ પણ વસ્તુને પ્લાસ્ટિકના ડબ્બામાં રાખીએ છીએ પરંતુ તમે નોટિસ કર્યું હશે કે, લાંબા સમય સુધી પ્લાસ્ટિકના ડબ્બામાં અથાણાં કે ચટણી રાખવાથી તેનો સ્વાદ બદલી જાય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલી કોઈ પણ વસ્તુમાં ઘણાં પ્રકારના કેમિકલ ભળી જાય છે, જે વસ્તુ ખાવાથી અનેક બીમારીનો શિકાર બનીએ છીએ. લાંબા સમય સુધી પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલો ખોરાક ખાવાથી મેટાબોલિક, ડિસઓર્ડર, સ્થૂળતા અને વંધ્યત્વની બીમારી ઘર કરી જાય છે. પરંતુ જો તમે પ્લાસ્ટિકના ડબ્બામાં કોઈ ખોરાક રાખીને માઈક્રોવેવમાં ગરમ કરો છો તો વધુ પ્રમાણમાં કેમિકલ ખોરાકમાં મિક્સ થાય છે, તેથી શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકમાં ગરમ કરેલી વસ્તુ ખાવાથી દૂર રહેવું જોઈએ
તમે પ્લાસ્ટિકની બોટલની બદલે કોપર કે તાંબાની કે પછી સ્ટિલની બોટલને વિકલ્પ તરીકે પસંદ કરી શકો છો. જો તમે ઓફિસે પ્લાસ્ટિક ટિફિન લઇને જતા હોય તો તેની બદલે મેટલ ટિફિન અથવા બોરોસિલ ટિફિન લઇ જઇ શકો છો. સ્ટીલ, એલ્યુમિનિયમના ટિફિન્સ સસ્તા હોય છે પરંતુ ટકાઉ હોય છે.પ્લાસ્ટિકથી છુટકારો મેળવવા માટે સરકારે તેના ઉત્પાદન, આયાત, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. 31 ડિસેમ્બર, 2022થી ફક્ત 120 માઇક્રોનની જાડાઈ ધરાવતી કેરી બેગનો ઉપયોગ કરી શકાશે.