સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર પછી વ્યક્તિની તબિયત બગડવાની સંભાવનાઓ વધુ પડતી રહેતી હોય છે અને પરિણામે આ સમયે તેઓએ પોતાની જાતની વધુ પડતી કાળજી લેવી જરૂરી બની જાય છે. આ સમયે સૌથી પહેલાં તો રોગપ્રતિકારક શક્તિ જાળવવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે 40 વર્ષથી વધુ ઉંમરના પુરુષ છો તો તમારાં ભોજનમાં નીચેના કેટલાંક આહારનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે 40 વર્ષ પછી વૃદ્ધત્વની અવસ્થા શરુ થાય છે અને જ્યારે તે શરૂ થાય છે ત્યારે તમારે તમારાં સ્વાસ્થ્યની એકસ્ટ્રા કેર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ સમયગાળો એટલો સંવેદનશીલ હોય છે કે, જો તમે તમારાં સ્વાસ્થ્યની યોગ્ય કાળજી ના લો તો તમે ગંભીર બીમારીના શિકાર બની શકો છો. માટે 40ની ઉંમર પછી પણ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવા તમારે તમારાં રુટિનમાં અમુક ફેરફારો લાવવાં ખૂબ જ જરૂરી છે.
ફાઇબર એ શરીરમાં સારાં બેક્ટેરિયાના અસ્તિત્વને પ્રોત્સાહન આપે છે અને પાચનક્રિયાને તંદુરસ્ત રાખવામાં મદદરુપ સાબિત થાય છે. 40 વર્ષથી વધુ ઉંમરના પુરુષો જો પોતાના ભોજનમાં ફાઇબરયુક્ત ભોજન સામેલ કરે તો હૃદયરોગ અને ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટી જાય છે. વટાણા, દાળ, કાળા કઠોળ, બીજ (ચિયા સીડ્સ અથવા સૂકાં તરબૂચનાં બીજ, સફેદ તલ, અળસી, કોળાનાં બીજ), લીલા વટાણાં, ઓટ્સ, રાસબેરી, પાંદડાવાળાં શાકભાજી, નટ્સ (બદામ, કાજુ, પાસ્તા) અને પોલિશ કર્યા વગરના ચોખા આ બધામાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે, જેને તમે તમારાં રુટિન ખોરાકમાં સામેલ કરી શકો છો.
શક્ય બને ત્યાં સુધી લો-સોડિયમ આહાર લેવો. આ પ્રકારનો ખોરાક મીઠાનાં સેવનને ઘટાડવાની સાથે પોટેશિયમનો વપરાશ વધારવામાં મદદ કરે છે. રેડ મીટ અને ડેરી ઉત્પાદનો કે જેમાં સેચ્યુરેડેડ ફેટનો સમાવેશ થાય છે તેને ખાવાનું ટાળો. શરીરને આવશ્યક ફેટ મળી રહે તે માટે દરરોજ મહત્તમ 5 મિલી ગાયના ઘીનું સેવન કરવું એ એક વૈકલ્પિક ઉપાય છે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારાં ભોજનમાં તુલસી, યશ્તિમાધુ, અશ્વગંધા, ગિલોય અને સૂકા આદુ જેવી જડીબુટ્ટીઓ તેમજ જીરાં, ધનિયાં, હળદર, કાળા જીરાં, કાળા મરી, તજ (દાલચિની) અને લવિંગ જેવા મસાલાનો સમાવેશ કરો.