વધતી ઉંમર સાથે શરીરમાં પોષક તત્વોની અછત થવા લાગે છે. 40 વર્ષની ઉંમર પછી હાડકાના દુ:ખાવા અને સાંધાના દુ:ખાવાની સમસ્યા પરેશાન કરવા લાગે છે, ઉંમર વધવાની સાથે કમરનો દુ:ખાવો અને સાંધાના દુ:ખાવાની સમસ્યા વારંવાર શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારે તમારા સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે. શરીરમાં હાડકાંને મજબૂત બનાવવા માટે જરૂરી પોષક તત્વોને આહારમાં સામેલ કરવા જોઈએ. શરીરમાં હાડકાંને મજબૂત બનાવવા માટે માત્ર કેલ્શિયમ જ નહીં, પરંતુ અન્ય વિટામિન્સ અને પોષક તત્વોની પણ જરૂર હોય છે. હાડકાં નબળા પડવાથી ઘણી સમસ્યાઓ થાય છે અને ફ્રેક્ચરનું જોખમ પણ વધી જાય છે.
શરીર તમારા હાડકા નબળા પડી રહ્યા હોવાના સંકેત આપે છે, તમારે તેને અવગણવું જોઈએ નહીં અને તેના પર ધ્યાન આપીને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ વેબએમડી અનુસાર, જો તમારા નખ વારંવાર તૂટતા હોય તો તમારા શરીરમાં કેલ્શિયમ અને કોલેજનની ઉણપ હોય શકે છે. આ બંને પોષક તત્વો મજબૂત હાડકાં માટે જરૂરી છે. નબળા નખ શરીરમાં પોષક તત્વોની ઉણપ દર્શાવે છે. આ એક સંકેત હોઈ શકે છે. જો તમારા શરીરના હાડકાં નબળા પડી રહ્યાં છે, તો તમારા હાથના કાંડાની પકડ નબળી પડી શકે છે, જે શરીરમાં નબળા હાડકાંની નિશાની માનવામાં આવે છે.
અહી ઉલ્લેખનિય છે કે, વિટામિન્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનિજો હાડકાંની તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમની ઉણપથી શરીરના સ્નાયુઓ અને હાડકામાં દુ:ખાવો થઈ શકે છે. હાડકામાં લાંબા સમય સુધી દુ:ખાવો થવો એ પણ નબળા હાડકાની નિશાની છે. શરીર હાડકાંને યોગ્ય માત્રામાં પોષક તત્વો પ્રદાન કરતું નથી, ત્યારે આવું થાય છે. શરીરને પૂરતા પોષણ તત્વો લીલા શાકભાજી, સુકામેવા, કેળા જેવા ફળોમાંથી મળી રહે છે. જેથી તેનું નિત્ય સેવન કરવું જોઈએ.
બહાર ક્યાંક હળવી અને સામાન્ય ઈજા થાય તો પણ હાડકાં તૂટી જાય અને તેને જોડવામાં વધુ સમય લાગે તો સમજી જવું કે હાડકાં નબળા છે. વધારે વજન ન હોય તો પણ જો તમારી કરોડરજ્જુ વળે છે અથવા મુદ્રા સામાન્ય કરતા અલગ છે, તો સંભવ છે કે તમારા હાડકાં નબળા પડવા લાગ્યા છે. તેની બોડીના સ્નાયુઓ પર પણ ખરાબ અસર પડી શકે છે. તે માટે શરીર ની ખાસ કાળજી રાખવી જોઈએ.