હજારો અને સેંકડો વરસ પહેલાં સ્થપાયેલા ધર્મોમાં ઉપવાસને એક અનોખું સ્થાન મળ્યું હતું. હિન્દુ, જૈન, ઇસ્લામ, બૌદ્ધ, યહૂદી, અને ખ્રિસ્તી જેવા તમામ ધર્મોએ શારીરિક અને આંતરિક શુદ્ધીકરણ માટે ઉપવાસનો આદર કર્યો છે. ઉપવાસનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરવું જરુરી છે. તે માટે એ જાણવું જરુરી છે કે ઉપવાસની શરીર પર શી અસર પડે છે. છેલ્લા થોડા દાયકાઓમાં ઉપવાસ વિષે અનેક વૈજ્ઞાનિક સંશોધનો થયાં છે. ઉપવાસના ફાયદાઓ વૈજ્ઞાનિક સંશોધનોમાં પણ સિદ્ધ થયા છે. ઉપવાસ કરવાથી કૅન્સર, હાઈપરટેન્શન સામે રક્ષણ મળે છે. જોકે ઉપવાસથી કોઈકના બ્લડપ્રેશરમાં વધારો ઘટાડો પણ થઇ શકે છે. આવી પ્રકૃતિના લોકોએ તબીબની સલાહ લઈને જ ઉપવાસ કરવા. ઉપવાસથી મગજનું ઓવરઓલ આરોગ્ય સુધરે છે. રોગ-પ્રતિકારક શક્તિ વધે છે અને ઉપવાસથી આયુષ્ય પણ વધે છે. ભારતમાં નોંધવામાં આવ્યું છે કે, યોગીઓ અને ઉપવાસીઓ લાંબું જીવતા હોય છે. તેમાં વ્યક્તિના જીન્સ અને પ્રદેશની આબોહવા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. એકસો કરતાં વધુ વરસ જીવેલા પ્રમાણિત લોકોની યાદીમાં અમેરિકાના તેમજ જાપાનના લોકો વધુ છે.