અત્યારે દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, કોરોના વાયરસથી બચવા માટે હાઇજીનની ખાસ કાળજી લેવી જરૂરી છે. ત્યારે હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, સાબુ અથવા સેનિટાઈઝરથી યોગ્ય રીતે હાથ ધોવાથી તમે આ જીવલેણ વાયરસથી બચી શકો છો. ત્યારે લોકોમાં એ ચર્ચા ચાલી રહી છે કે, સાબુ કે સેનિટાઈઝરમાંથી વધુ ઉત્તમ વિકલ્પ શું છે.
યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સના પ્રોફેસર પૌલ થોર્ડસને કોરોના વાયરસથી બચવા માટે સાબુને વધુ સારો વિકલ્પ ગણાવ્યો છે. સાબુ વાયરસમાં રહેલા લિપિડ્સને સરળતાથી દૂર કરી શકે છે.
આપને જણાવી દઇએ કે, સાબુમાં ફેટી એસિડ્સ અને મીઠા જેવા તત્વો હોય છે જેને એમ્ફીફિલ્સ કહે છે. સાબુમાં રહેલા આ છૂપાયેલા તત્વો વાયરસના બાહ્ય પડને નિષ્ક્રિય કરે છે. લગભગ 20 સેકંડ સુધી હાથ ધોવાથી સ્ટીકી સામગ્રીનો નાશ થાય છે જે વાયરસને સાથે જોડી રાખવાનું કામ કરે છે.
આપે ઘણી વાર લાગ્યું હશે કે સાબુથી તમારા હાથ ધોયા પછી ત્વચા થોડી શુષ્ક થઈ જાય છે અને થોડી કરચલીઓ પડી જાય છે. ખરેખર આવું થાય છે કારણ કે સાબુ ઉંડાણ સુધી જાય છે અને જંતુઓનો નાશ કરે છે.
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધનમાં થયો ખુલાસો
હવે વાત કરીએ સેનિટાઇઝર સાબુ જેટલું અસરકારક કેમ નથી. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધન મુજબ, જેલ, લિક્વિડ અથવા ક્રીમના રૂપમાં સેનિટાઇઝર કોરોના વાયરસ સામે લડવામાં સાબુ જેટલું ઉત્તમ નથી.
કોરોના વાયરસનો સામનો માત્ર તે જ સેનિટાઇઝર કરી શકશે જેમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હશે. આ માટે સામાન્ય રીતે વપરાયેલ સાબુ વધુ સારો વિકલ્પ છે.