‘જર્નલ ઓફ ગ્લોબલ ઓન્કોલોજી’ના રિપોર્ટ અનુસાર ભારતમાં દર 20 વર્ષે કેન્સરનાં દર્દીઓની સંખ્યા બમણી થઈ રહી છે. પરંતુ રોજિંદા જીવનમાં કેટલાક ફેરફારો લાવીને કેન્સરથી બચી શકાય છે. જેમકે, નિયમિત વ્યાયામ અથવા તો નિયમિત એક્સર્સાઇઝને બદલે રોજ 30 મિનિટ સ્વિમિંગ, વોકિંગ અને જોગિંગ પણ કરી શકાય છે. આ ઉપરાંત પેકેજ્ડ સ્નેક્સ અને અન્ય ખાદ્ય સામગ્રીમાં રંગ અને પ્રિઝર્વેટિવ્સના રૂપે અનેક કેમિકલ્સની ભેળસેળ કરવામાં આવે છે. આ કેમિકલ્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. રેડ મીટનાં વધારે પડતાં સેવનથી પણ કેન્સર થવાનું જોખમ વધી જાય છે. આથી પ્રોસેસ્ડ ફૂડનાં સેવનથી બચવું જોઈએ અને ઓર્ગેનિક ફૂડનું સેવન કરવું જોઈએ. ખોરાકમાં હળદર, લસણ, મરી, આદું, લીલાં શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલાં એન્ટિ ઓક્સિડન્ટ્સ કેન્સરની કોશિકાઓને ફેલાતી રોકે છે. મહત્વનું છે કે, તમાકુનાં સેવનથી પણ કેન્સર થવાનું જોખમ વધી જાય છે. કોઈ વ્યક્તિ ભલે ધૂમ્રપાન ન કરે પરંતુ તે ધૂમ્રપાન કરતી વ્યક્તિના સંપર્કમાં આવે તો પણ ફેફસાંનાં કેન્સરનું જોખમ રહેલું છે. આથી ધૂમ્રપાન કરવાનું ટાળવું જોઈએ.