કિડની શરીર માટે એક મહત્વનો ભાગ ભજવે છે. જો તેને કોઈ પણ પ્રકારનું નુકશાન થાય તો માણસનુ જીવન જ થંભી જાય છે. કિડની ખરાબ થવાના અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ભારતમાં તો તેને ગેરકાયદેસર રીતે વેચવાના મામલા પણ સામે આવ્યા છે. આપણી અનેક પ્રકારની ખરાબ ટેવોને કારણે કિડનીને નુકશાન પહોંચી શકે છે. જો કેટલીક વાતોનુ ધ્યાન રાખવામાં આવે તો તેને ખરાબ થવાથી બચાવી શકાય છે.
શરીરમાંથી ઝેરીલા પદાર્થો યુરીનની મદદથી બહાર કાઢવાનું કામ કિડની કરે છે. ઘણા લોકોને તેની આળસના કારણે યૂરીન લાંબા સમય સુધી રોકી રાખવાની આદત હોય છે. જે કીડનીને ખરાબ કરવા માટે એક મોટું કારણ છે. રાત્રે 6-7 કલાક સુધી ઊંઘ કર્યા બાદ સવારે પેશાબ ફરજીયાત જવું જોઈએ. જો લાંબા સમય સુધી પેશાબને રોકી રાખવામાં આવે તો ધીરે ધીરે કિડનીને ભારે નુકશાન પહોંચી શકે છે. ક્રોનિક એક કિડનીની જ બીમારી છે. જો કિડની ખરાબ હશે તો લોહી સાફ નહિ થાય અને તેની અસર સ્વાસ્થ્ય પર પડે છે.
દિવસ દરમિયાન પાણી ઓછું પીવામાં આવે તો પણ કિડનીને નુકસાન થાય છે. શરીરમાં જમા થયેલા ઝેરી પદાર્થો બહાર કાઢવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. પાણી ઓછું પીવાથી યુરીન ઓછું થાય છે અને કિડનીમાં ઈંફેક્શન થવાનો ખતરો ઉભો થાય છે. શરીરમાં જમા ઝેરી પદાર્થના નાના-નાના કણ મૂત્રનળીમાં પહોંચીને યૂરીનની નિકાસીમાં અવરોધ બનવા માંડે છે. દિવસ દરમિયાન 2 થી 3 લિટર પાણી પીવું જરૂરી છે.
ખોરાકમાં વધારે પ્રમાણમાં મીઠું લેવામાં આવે તો પણ કિડનીને અસર થાય છે. મીઠું શરીરમાં આયોડિનની ઉણપને દુર કરે છે અને ખોરાકનો સ્વાદ પણ વધારે છે પરંતુ વધારે પ્રમાણમાં મીઠાનું સેવન કિડનીને નુકસાન કરે છે. વધારે પ્રમાણમાં મીઠાનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશરની બીમારી નોતરે છે. બીપી હાઈ હોય અથવા ડાયાબીટીસની તકલીફ હોય અને તેની સારવારમાં બેદરકારી રાખવામાં આવે તો કિડની ડેમેજ થવાનો ખતરો કાયમ રહે છે.
આ ઉપરાંત ડોક્ટરની સલાહ વગર દુઃખાવાની દવાઓનું સેવન કરવામાં આવે, અનેક કુટેવ જેવી કે સ્મોકિંગ, દારૂ અને તંબાકુનું સેવન, ઠંડા પીણા, વગેરે પણ કિડનીના રોગ નોતરે છે અને કિડની ખરાબ કરે છે.