કોરોના સંકટ બાદ ભારત હવે વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે. ઘણા અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે અને સરકાર પણ આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે. છેલ્લા બે મહિનામાં કોરોના વાયરસને કારણે પરિસ્થિતિઓ એટલી બદલાઈ ગઈ છે કે ભારતને તેની શક્તિનો અહેસાસ થઈ ગયો છે.
હકીકતમાં, જેના માટે ભારત હંમેશાં ચીન સહિતના અન્ય દેશો પર નિર્ભર હતું આજે ભારતે તેનો સિક્કો એ જ ક્ષેત્રમાં જમાવ્યો છે. કોરોના વાયરસ ફાટી નીકળતાં પહેલાં ભારત પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ કીટની સપ્લાય માટે વિદેશ ઉપર આધાર રાખવો પડતો હતો. કારણ કે ક્લાસ 3 કક્ષાની PPE કિટ્સ માર્ચ પહેલા ભારતમાં બનાવવામાં આવતી ન હતી.
નોંધનીય છે કે USA, ચીન અને યુરોપિયન દેશોમાં મોટા પાયે PPE કીટ બનાવવામાં આવે છે અને ભારત અહીંથી તેને આયાત કરતું હતું. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય ધોરણની PPE કીટ્સ ભારતમાં જ બનાવવામાં આવી રહી છે. જો તમે ઉત્પાદનના આંકડા પર નજર નાખો તો આજે ભારત વિશ્વમાં PPE કીટ બનાવવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયું છે.
ભારતમાં WHO ધોરણ મુજબના 106 મેન્યુફેક્ચર્સ હાલમાં PPE કીટ બનાવવાના કામે લાગી ચુક્યા છે. આટલું જ નહીં દેશમાં ખૂબ જ ઓછી કિંમતે શ્રેષ્ઠ ગુણવત્તાની PPE કીટ તૈયાર કરવામાં આવી રહી છે. અને આ બધું છેલ્લા બે મહિનામાં બન્યું છે. માર્ચના અંતિમ સપ્તાહમાં, ભારતને WHO તરફથી PPE કીટ બનાવવા માટે લીલી ઝંડી મળી હતી.
મળતી માહિતી મુજબ હાલમાં ભારતમાં દરરોજ 1.7 લાખ PPE કીટ તૈયાર થાય છે અને દરરોજ 2 લાખ કીટનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે. હકીકતમાં, ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીના નેતૃત્વમાં ભારતમાં રેકોર્ડ સ્તરે PPE કીટ બનાવવાનું શક્ય બન્યું છે. ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાની એ તેમના મંત્રાલય દ્વારા દેશમાં માસ્ક અને PPE કિટ્સ અંગે ઝડપી પગલાં લીધાં, અનેક ગારમેન્ટ્સ અને જૂટ કંપનીઓને PPE કીટ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ હેતુ માટે, એક વર્કશોપ પણ યોજવામાં આવ્યો હતો.