ટીવી જોનારાઓએ સાવચેતી રહેવાની ખાસ જરૂર છે. જો તમે સતત ટીવી જોશો તો તમને આ ખતરનાક બીમારી થઈ શકે છે. ટીવી જોવું એ વિશ્વભરના મોટાભાગના લોકોની મનપસંદ છે. સ્માર્ટફોન પછી એકમાત્ર ટીવી છે જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. એક નવા અભ્યાસમાં એક એવી વાત સામે આવી છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. લાંબા સમય સુધી ટીવી જોવાથી હૃદય પર ઘણી અસર થાય છે. એક નવા અભ્યાસ મુજબ, લાંબા સમય સુધી ટેલિવિઝન જોવાની આદત કોરોનરી હૃદય રોગનું જોખમ વધારી શકે છે.
યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને હોંગકોંગ યુનિવર્સિટીના નિષ્ણાતોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે દરરોજ એક કલાક કરતા ઓછા સમય માટે ટેલિવિઝન જોવાથી હૃદય રોગને 11 ટકા રોકી શકાય છે. સંશોધકોએ એ સમજવા માટે UK બાયોબેંકના ડેટાનું સંકલન કર્યું કે શું સ્ક્રીન-આધારિત વર્તણૂકો બેઠાડુ જીવન જીવતા લોકો, જેમ કે સતત ટીવી જોવી અથવા સતત કમ્પ્યુટરનો ઉપયોગ કરવો વગેરે અને વ્યક્તિના કોરોનરી હૃદય રોગના જોખમ વચ્ચે કોઈ સબંધ છે કે કેમ. સંશોધકોએ શોધી કાઢ્યું કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને વિતાવેલો સમય રોગના જોખમને અસર કરતું નથી.
પરીક્ષણ દરમિયાન તેઓએ જોયું કે જે લોકો દિવસમાં ચાર કલાકથી વધુ સમય સુધી ટેલિવિઝન જુએ છે તેમને હૃદય રોગનું જોખમ સૌથી વધુ છે. સંશોધકોએ નોંધ્યું હતું કે જે લોકો દરરોજ બે થી ત્રણ કલાક ટીવી જુએ છે તેઓમાં આ સ્થિતિ વિકસિત થવાનો દર 6 ટકા ઓછો હતો. તુલનાત્મક રીતે, જેઓ એક કલાક કરતા ઓછા સમય માટે ટેલિવિઝન જોતા હતા તેમનો દર 16 ટકા ઓછો હતો, એવું અભ્યાસ ઉપરથી જાણવા મળ્યું હતું.સંશોધકોએ 500,000થી વધુ લોકોના પોલિજેનિક જોખમના સ્કોર્સનું સંકલન કર્યું. ઘણા આરોગ્ય નિષ્ણાતોએ હંમેશા કહ્યું છે કે બેઠાડુ જીવન એ કોરોનરી હૃદય રોગ માટેના પ્રાથમિક જોખમી પરિબળોમાંનું એક છે.