વિશ્વભરમાં કોરોનાવાઈરના સંક્રમિતોનો આંકડો 65 લાખને પાર પહોંચ્યો છે. ચોક્કસ દવા અને રસીની આશાઓ વચ્ચે નવાં ઈનોવેશન અને રિસર્ચ કરવામાં આવી રહ્યાં છે. ઈંગ્લેન્ડના વૈજ્ઞાનિકોએ બ્લડ ટેસ્ટથી કોરોના પીડિતોનાં સ્વાસ્થ્યનો અંદોજા લગાવી શકાય તેવી મિકેનિઝમ તૈયાર કરી છે. તેનાથી બ્લડ ટેસ્ટ દ્વારા જાણી શકાશે કે કોરોનાવાઈરસથી પીડિત દર્દીનું સ્વાસ્થ્ય આગામી દિવસોમાં કેવું રહેશે. લંડનની ફ્રેંસિસ ક્રિક ઈનસ્ટિટ્યૂટના સંશોધકોએ લોહીમાં રહેલાં 27 પ્રોટનની ઓળખ કરી છે, જે વાઈરસથી પીડિત લોકોનાં સ્વાસ્થ્યની જાણકારી આપી શકે છે.
પ્રોટીન પેટર્ન આધારે અંદાજો
રિસર્ચમાં સામેલ સંશોધકોના જણાવ્યા અનુસાર, દર્દીઓમાં કોરોનાનું સ્તર કેટલું છે તે જાણવા માટે એક સ્પેક્ટ્રોમીટરની મદદ લઈ શકાય છે. નજીવી કિંમતાં તે સંભવ છે. શરીરમાં રહેલાં લોહીના પ્લાઝ્માના રિપોર્ટની મદદથી પ્રોટીન પેટર્નને આધારે કોરોનાનું સ્તર જાણી શકાશે.
ઈન્ટરક્યૂલિન IL-6 પ્રોટીનનું કનેક્શન
સંશોધકોએ બર્લિનના એક હોસ્પિટમાં કોરોનાવાઈરસના 48 દર્દીઓ પર આ પ્રયોગ કર્યો હતો. તેમાં સામે આવ્યું કે, ઈન્ટરક્યૂલિન IL-6 પ્રોટીનનું કનેક્શન શરીરની અંદરના સોજા સાથે છે. કોરોના જેટલો ગંભીર હશે તેટલો સોજો વધારે હશે અને તેના માટે આ પ્રોટીન જવાબદાર છે.
કોરોનાથી પીડિત લોકોને કેવી સારવાર આપવી તે જાણી શકાશે
‘સેલ સિસ્ટમ’ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, ઈન્ટરક્યૂલિન IL-6 પ્રોટીન ડોક્ટરને એ જાણવામાં મદદ કરે છે કે દર્દીને કેટલાં સ્તરે સંક્રમણ થયું છે અને તેની હાલત ગંભીર બનશે કે નહીં. આ સાથે જ ડોક્ટર્સ એ પણ જાણી શકશે કે કયા દર્દીની સારવાર કેવી રીતે કરવી જોઈએ. દર્દીઓના પ્રોટીન પેટર્નથી તેનો અંદાજો લગાવી શકાય છે.