તમારી આંખો એ તમારા ચહેરાની સૌથી આકર્ષક ઘરેણું છે. તે વિઝ્યુઅલ ઓર્ગન કરતાં વિશેષ છે, આંખો તમને વિશ્વને જોવામાં મદદ કરે છે. તે સ્મિત કરે છે, હસે છે, રડે છે અને જ્યારે શબ્દો નિષ્ફળ જાય ત્યારે આપણી આંખો આપણી લાગણીઓ અને વિચારોને સુંદર રીતે વ્યક્ત કરે છે. જેથી તમારા જીવનની ગુણવત્તાને જાળવી રાખવા માટે તમારી દષ્ટિનું રક્ષણ કરવું એ સૌથી મહત્ત્વની બાબત છે. પરંતુ કમનસીબે મોટા ભાગના લોકો પોતાના ચહેરા પર ધ્યાન આપે છે, પણ પોતાની આંખો વિશે એટલું વિચારતા નથી. આપણી જીવનશૈલી, ઝેરી વાતાવરણ અને અયોગ્ય આહાર જેવા કારણોથી આંખો બગડી શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ વિશ્વભરમાં ઓછામાં ઓછા 2.2 અબજ લોકોને નજીક અથવા દૂરની દ્રષ્ટિની ખામી છે. આવી સ્થિતિમાં આપાણી આંખોનું રક્ષણ જરૂરી બની જાય છે. HT Lifestyleએ ડો. તુષાર ગ્રોવર ટાંકીને અહેવાલ પ્રકાશિત કર્યો છે. જેમાં આંખ બગડવા પાછળ કારણભૂત 5 કુટેવો અંગે જણાવાયું છે.
સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ: દરરોજ કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ આંખોમાં તાણ અને દ્રષ્ટિની સમસ્યાઓનું કારણ બની શકે છે. સ્માર્ટફોનની જેમ જ લેપટોપ સ્ક્રીન સામે લાંબો સમય બેસવાથી પણ તમારી આંખોને નુકસાન થઈ શકે છે. સ્ક્રીન્સમાંથી નીકળતો પ્રકાશ સૂકી આંખ, માથાનો દુ:ખાવો અને આંખોની તાણનું કારણ બની શકે છે. સ્ક્રીનોના વધુ પડતા સંપર્કમાં આવવાથી અસ્પષ્ટ દેખાવા લાગે છે.
સનગ્લાસ ન પહેરવા: આંખોને હાનિકારક યુવી કિરણો નુકસાન પહોંચાડી શકે છે અને દૃષ્ટિની સમસ્યાઓનું કારણ બની શકે છે. તેનાથી મેક્યુલર ડીજનરેશન અને આંખના કેન્સરનું જોખમ પણ છે. જેથી સનગ્લાસ પહેરવા જરૂરી છે. જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેર્યા હોય તો પણ સનગ્લાસ તમારી આંખો અને બહારની પ્રદૂષિત હવા વચ્ચે સુરક્ષા કવચ તરીકે કામ કરી શકે છે.
ધુમ્રપાન: ધૂમ્રપાનથી ગળા અને ફેફસાના કેન્સરનું જોખમ વધે છે. આ સાથે તે દ્રષ્ટિની સમસ્યાઓ પણ પેદા કરી શકે છે. સિગારેટ અને તમાકુના અન્ય ઉત્પાદનો ફૂંકવાથી મેક્યુલર ડીજનરેશન અને મોતિયા જેવી ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. જે અંધત્વ તરફ પણ દોરી શકે છે!
વારંવાર આંખો ચોળવી – આંખો ચોળવાની કુટેવથી બચવું જોઈએ. તેનાથી તમારી આંખોની બાહ્ય સપાટીને નુકસાન થઈ શકે છે. પરિણામે બળતરા થાય છે. આ ઉપરાંત તમારી આંખોમાં ગંદકી અને બેક્ટેરિયા ફેલાય છે. આંખોને વારંવાર ચોળવાથી કોર્નિયા પણ નબળી પડી શકે છે. જે ખૂબ જોખમી છે. આંખો ચોળવાની જરૂર પડે તો તેમાં થોડું પાણી છાંટી શકો છો અથવા બળતરાને શાંત કરવા માટે કોલ્ડ કોમ્પ્રેસનો ઉપયોગ કરી શકો છો.
ડોક્ટરની સલાહ વગર આંખના ટીપાંનો ઉપયોગ કરવો – ડોક્ટર્સની સલાહ લીધા વગર આઇ ડ્રોપ્સનો ઉપયોગ કરવાની આદત મુશ્કેલીમાં મૂકી શકે છે. યોગ્ય સલાહ વિના આંખના ટીપાંનો વધુ પડતો ઉપયોગ તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. આંખો લાલ દેખાય, તો ગભરાશો નહીં અને કલાકો સુધી કામ કરવાથી આંખોમાં લાલાશ થઈ શકે છે. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લઈને ટીપ નાખો.