આજકાલની લાઇફસ્ટાઈલમાં શરીરની ફિટનેસ જાળવી રાખવી અતિ આવશ્યક છે. મહત્વનું છે કે, વિવિધ પ્રકારની એક્સર્સાઇઝ કરવાથી શરીરને તંદુરસ્ત રાખી શકાય છે. આ એક્સર્સાઇઝમાં યોગા, હળવી કસરત, જીમીંગ ,જોગિંગ જેવી એક્સર્સાઇઝનો સમાવેશ થાય છે. જેમાં સૌથી સરળ એક્સર્સાઇઝ એટલે કે જોગિંગ કરવાથી પણ અનેક ફાયદા થાય છે. ઉલ્લેખનીય છે કે, ‘સ્પોર્ટ્સ મેડિસિન’ નામની બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી કે, જોગિંગ કરવાથી અકાળે મૃત્યુ થવાના જોખમને ઘટાડી શકાય છે. આ રિસર્ચ ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા અને સિડની યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 2,31,492 લોકોનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. આ રિસર્ચમાં દોડવાથી એટલે કે જોગિંગ કરવાથી કાર્ડિયોવાસ્ક્યુલર અને કેન્સર જેવાં રોગોનાં જોખમ અને તેની અસર પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ રિસર્ચમાં સામે આવ્યું કે જોગિંગ કરવાથી અકાળે મૃત્યુનું જોખમ 27% અને કાર્ડિયોવાસ્કયુલર રોગોને કારણે થતાં મૃત્યુનાં જોખમને 30% ઘટાડી શકાય છે. અઠવાડિયામાં 1 વાર 50 મિનિટ જોગિંગ કરવાથી શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. આથી દરેક વ્યકિતએ નિયમિત જોગિંગ કરવું જોઈએ.