દુનિયા આખી અત્યારે કોરોના નામની માહામારીનો સામનો કરી રહી છે.અમેરિકા,ચીન, ઇટાલી પછી ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે,ત્યારે મેસેચ્યુસેટ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં કાસીમ બુખારી નામના વૈજ્ઞાનિકની સમગ્ર ટીમ વડે થયેલા આંકડાકોય સંશોધન ઉપરથી એશિયન દેશો જ્યાં ચોમાસાની ઋતુ અસ્તિત્વ ધરાવતી હોય ત્યાં ગરમી અને ભેજના પગલે કોરોના વાયરસનો ફેલાવો યુરોપ અને અન્ય ઠંડા પ્રદેશોના પ્રમાણમાં ઓછો થાય છે એવું તારણ નીકળ્યું છે.
નોંધનીય છે કે આ સંશોધન માટે કોરોના વાયરસના વૈશ્વિક કેસની સંખ્યા અને ભૌગોલિક પ્રદેશોના તાપમાન અને ભેજને પેરામીટર તરીકે લેવામાં આવ્યા હતા.
શું છે આ રીસર્ચમાં?
આ સંશોધનમાં એવું પણ નોંધવામાં આવ્યું કે ૨૨મી માર્ચ સુધીના કોરોના વાયરસના ૯૦% કેસ એવા પ્રદેશોમાં થયા છે જ્યાં તાપમાન ૩ થી ૧૭ ડિગ્રી સેલ્સીયસ રહેતું હોય. નોંધનીય છે કે ભારતના મોટાભાગના વિસ્તારોમાં આ તાપમાન કરતા વધુ તાપમાન રહે છે.
વળી આ એવા ક્ષેત્રો છે જ્યાં ભેજ પ્રતિ ઘન મીટર ૪ થી ૯ ગ્રામ રહે છે. જે ક્ષેત્રોમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં ભેજ ૯ ગ્રામ પ્રતિ ઘન મીટર થી વધુ રહ્યો અને સરેરાશ તાપમાન ૧૮ ડિગ્રી સેલ્સીયસ થી વધુ રહ્યું છે ત્યાં કોરોના વાયરસના ૬% થી પણ ઓછા કેસ છે.
ભારત, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, આફ્રિકાના દેશો જેવા દેશોમાં ઓછા કેસ નોંધાયા છે જેની એક દલીલ એવી કરવામાં આવે છે કે આ દેશોમાં ટેસ્ટની સુવિધા યુરોપ જેટલી સારી ન હોવાથી કેસ બહાર નથી આવ્યા. આ દલીલ સામે રીસર્ચ કરનારાઓ એ એવો તર્ક આપ્યો છે કે સિંગાપોર, UAE અને સાઉદી અરેબિયામાં US, ઇટાલી અને બીજા યુરોપિયન દેશો જેટલા જ પ્રમાણમાં ટેસ્ટ થયા છે પણ ત્યાં પણ કોરોના વાયરસ કાબૂમાં છે જે આ સંશોધનને વધુ મજબૂત પુરાવો આપે છે. આ પૈકી ઘણા દેશોમાં તો મજબૂત લોક ડાઉન પણ નથી કરવામાં આવ્યા અને ઘણા દેશો ટ્રાવેલ હબ છે જ્યાં છેલ્લા ૨ મહિનામાં લાખો લોકો આવી જઈ ચુક્યા છે ત્યાર પછી પણ ત્યાં સ્થિતિ સારી લાગી રહી છે.
વૈજ્ઞાનિકોની ચેતવણી
આ ડેટા અત્યારે ઉપલબ્ધ માહિતી મુજબનો છે જ્યારે સૌ જાણે છે કે ઘણા બધા કેસ નોંધવામાં આવ્યા વિના જ મટી ગયા છે અથવા અવસાન પામ્યા છે. આ ઉપરાંત આ પરિક્ષણમાં વાયરસ કેવી રીતે મ્યુટેટ થાય છે, કેવી રીતે તેમાં ફેરફાર થાય છે, ચેપ એકબીજાના સંપર્કમાં આવીને કેવી રીતે ફેલાય છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ પરિક્ષણનો અર્થ એવો બિલકુલ નથી કે કોરોના વાયરસ ગરમ પ્રદેશોમાં નહિ ફેલાય એવી માની લેવામાં આવે. સરકાર અને WHO દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈન્સ સૌ કોઈએ ફરજિયાત પાળવાની તો રહેશે જ.