ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જઇ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, હવેથી 24 કલાકમાં એક જ વાર સાંજે કોરોનાને લગતી આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવશે. જેના કારણે આંકડામાં થતું કન્ફ્યૂઝન ન થાય.
આ અંગે રાજ્યનાં આરોગ્ય આગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, સરકાર દૈનિક 3 હજાર ટેસ્ટ કરે છે અને તે પ્રમાણે પણ આગળ કરવાનાં જ છે.આ ટેસ્ટમાં હાલ કોઇપણ ઘટાડો કરવામાં નહીં આવે. આ દૈનિક ટેસ્ટમાંથી 2500 જુદા જુદા વિસ્તારમાંથી કરવામાં આવશે જ્યારે 500 ટેસ્ટ ક્વૉરન્ટાઇન કરાયેલા લોકોનાં કરવામાં આવશે.
જયંતિ રવિએ આગળ જણાવતા કહ્યું કે, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને જેમને ગંબીર બીમારી હોય છે તેમના જ મૃત્યું થાય છે. કોરોનાથી બચવું હોય તો, ઘરમાં જેટલા પણ વધુ ઉંમરના હોય, કોઈ બીમારી હોય, 5 વર્ષથી ઓછી ઉંમરના હોય, ગર્ભવતી હોય તેમની સાથે ડિસ્ટન્સ રાખવુ જરૂરી છે.
ગુજરાતમાં મોતનો આંકડો કુલ 103 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 229 નવા કેસો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 2,407 પર પહોંચ્યો છે. જ્યારે 179 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. રાજ્યના કુલ 2407 પોઝિટિવ કેસ પૈકી હાલ હોસ્પિટલમાં 2,125 દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમાંના 13 વેન્ટિલેટર પર છે જયારે 2112ની હાલત સ્થિર છે.