કોરોના વાઈરસ મહામારી સામે લડવા માટે ભારત સરકાર વિવિધ પગલા લઇ રહી છે,ત્યારે હવે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે હાલમાં જ આરોગ્ય સેતુ નામની એપ લોન્ચ કરી છે.આ એપ માત્ર ચાર દિવસમાં એક કરોડથી વધુ વખત ડાઉનલોડ કરી લેવાઇ છે. તેને વધુમાં વધુ લોકો ડાઉનલોડ કરે તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રેલ્વે મંત્રાલયે પોતાના ૧૩ લાખ કર્મચારીઓને આ એપ ડાઉનલોડ કરવા કહ્યું છે. માનવ સંસાધન મંત્રાલયે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા તમામ લોકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરવા કહ્યુ છે. ગૃહમંત્રાલયે પણ CRPFના બધા જવાનોને એપ ઇન્સ્ટોલ કરવાના આદેશ આપ્યા છે.
આ એપ કોરોનાથી તમને કેટલું જોખમ છે તેનુ સ્તર જણાવશે. તે સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટમાં અપાયેલાં લક્ષણો, બીમારીઓ જેવી જાણકારીઓ અને તમારાં લોકેશનના આધારે જણાવે છે કે તમને કોરોનાનું કેટલું જોખમ છે. તે જણાવે છે કે તમારે ટેસ્ટની અને ડોક્ટરને બતાવવાની કેટલી જરૂર છે.આ એપ ડાઉનલોડ કરતી વખતે તમે જે જાણકારીઓ આપશો તેના આધારે એપ જણાવશે કે તમને કોરોનાનું જોખમ કેટલું છે. જો છે તો શું પરીક્ષણની જરૂર છે કે ક્વોરેન્ટાઇનથી કામ ચાલી જશે. જો પરીક્ષણની જરૂર હોય તો તમે તે ક્યાં કરાવી શકો. તમારે બેકગ્રાઉન્ડમાં એપ હંમેશાં ચાલુ રાખવી પડશે.એ સાથે બ્લુટુથનું લોકેશન પણ ઓન રાખવું પડશે.
એપની પ્રાઇવસી પોલિસીમાં એવો દાવો કરાયો છે કે, ડેટાનો ઉપયોગ માત્ર ભારત સરકાર કરશે. તમારા નામ કે નંબરને જાહેર નહીં કરાય. પર્સનલ જાણકારીને એલર્ટ કરવા કે અન્ય જરૂરી જાણકારી આપવા માટે જ તેનો ઉપયોગ થશે. એપ ઇન્સ્ટોલ કર્યા બાદ પણ તમે જાણકારી તમારી પાસે રાખી શકો છો.