ગુજરાતમાં કોરોનાવાયરસનો કહેર વધતો જઇ રહ્યો છે.અને અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે, આ તમામ બાબત વચ્ચે ગુજરાતમાં એક પ્રથમ ઘટના બની છે જેમાં કોરોના વાઈરસની પોઝિટિવ મહિલા દર્દી સ્વસ્થ થઈ છે અને તેને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ મહિલા 34 વર્ષની ઉંમર ધરાવે છે અને તેણીને 18 માર્ચે દાખલ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ રાજ્યના આરોગ્ય વિભાગે દર્દીને ડિસ્ચાર્જ કરવાનો લેટર ટ્વીટર પર શેર કરીને સત્તાવાર જાહેરાત કરી હતી. આ મહિલાને 18 માર્ચે શહેરની SVP હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવી હતી.
મહિલાની 10 દિવસ સારવાર કર્યા બાદ છેલ્લા 24 કલાક ઓબ્ઝરવેશનમાં રખાતા તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા ડિસ્ચાર્જ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
રાજ્યમાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્રણેય નવા કેસ અમદાવાદમાં નોઁધાયા છે. જેમા 67 વર્ષના સ્ત્રી, 34 વર્ષના પુરૂષ અને 47 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. સારવાર લઈ રહેલા 47 વર્ષના પુરૂષનુ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયુ છે. મોત થનાર વ્યક્તિને ડાયબિટિઝની પણ સમસ્યા હતા. ત્યારે હવે રાજ્યામાં કોરોનાથી લોકોના મોતનો આંકડો પાંચ પર પહોંચ્યો છે.
રાજ્યમાં 19 હજારથી વધુ લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે. 14 દિવસની સારવાર લીધા બાદ લોકોમાં કોઈ પણ પ્રકારના લક્ષણ ન દેખાતા ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કોરોનાના પોઝિટિવ કેસના દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા પણ તેમને ડિસ્ચાર્જ કરવાની પ્રોસેસ શરૂ કરાઈ છે. દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા 14 દિવસ સુધી આઈસોલેશનમાં રખાશે. 14 દિવસ બાદ ત્રણેય દર્દીઓને ઘર જવાની પરવાનગી અપાશે.