તાજેતરમાં થયેલા એક સંશોધનથી જાણવા મળ્યું કે મીઠાંની માત્રા વધારે હોય તેવા આહારનું સેવન કરવાથી બુદ્ધિ ઓછી થઈ શકે છે. વધુ મીઠાંનું સેવન કરવાથી મગજમાં લોહીનો પ્રવાહ 25% સુધી ઘટી જાય છે. મગજમાં ટાઉ પ્રોટીનની માત્રા વધવાથી યાદશક્તિ નબળી પડે છે અને બુદ્ધિમાં પણ ઘટાડો થાય છે. ન્યૂ યોર્ક સ્થિત ફિલ ફેમિલી બ્રેન એન્ડ માઈન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ડોક્ટર ગિઉસેપ્પે ફર્કો આ સંશોધનનાં મુખ્ય સંશોધક છે. આ સંશોધન નેચર ન્યુરોસાયન્સ ટ્રસ્ટેડ સોર્સિસ જર્નલમાં પ્રકાશિત થયું છે. ડોક્ટર ફર્કોએ જણાવ્યું કે, હંમેશાં મીઠાંનું વધુ પ્રમાણ અને મગજની નબળી કાર્યક્ષમતા વચ્ચે સંબંધ રહ્યો છે અને મીઠું ખાવું એ ડિમેન્શિયાનું મુખ્ય કારણ છે. ઉલ્લેખનીય છે કે, આ અભ્યાસ ઉંદરો પર કરવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યું કે વધુ મીઠું ખાવાથી ઉંદરોમાં ડિમેનશ્યિના લક્ષણો દેખાવા લાગ્યા. મીઠું એવા અણુઓને વધુ ઝડપથી પેદા કરે છે જેનાથી શરીરમાં સોજો આવે છે. સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે, વધુ મીઠું લેતા ઉંદરોમાં નાઈટ્રિક ઓક્સાઈડનું પ્રમાણ ઓછું હોય છે, જે મગજમાં ટાઉ પ્રોટીનની માત્રામાં વધારો કરે છે અને ટાઉનું વધુ પડતું સ્તર અલ્ઝાઇમર થવાનું કારણ માનવામાં આવે છે.