ગુજરાતમાં દિવસે -દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.ગુજરાતમાં આજે નવા 105 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી સુરતમાં આજે 12 કલાકમાં 35 કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયુ હતુ. સુરતમાં 5નાં મોત થઈ ચુક્યા છે અને 9 દર્દીઓ કોરનાને હરાવીને સાજા થઈ ચુક્યા છે.
અમદાવાદ, વડોદરા બાદ સુરતની હાલત પણ કફોડી થઈ છે. કોન્ટેક્ટ ટ્રાન્સમિશનને પગલે સુરતમાં લોકલ ટ્રાન્સમિશનના જ કેસ સામે આવી રહ્યા છે સાથે સાથે કોરોનાને કારણે થઈ રહેલા મોતનો આંકડો પણ ડરામણો છે. ક્લસ્ટર કરાયેલા વિસ્તારમાંથી પરીવારના પરીવાર પોઝિટિવ નીકળતા તંત્ર દોડતુ થઈ ગયુ છે.
અત્યાર સુધીમાં કોરનાના 86 કેસ નોંધાઈ ચુક્યા છે. સુરતમાં કોરોનાનો કહેર ધીરે ધીરે વધી રહ્યો છે. સુરતમાં પરપ્રાંતિયોની સંખ્યા પણ વધારે છે અને અહીં પણ જમાતીઓ દ્વારા ચેપ લાગ્યો હોવાનું કહેવાઈ રહ્યુ છે.
કયા વિસ્તારમાં નોંધાયા છે કેસ
સુરતના માનદરવાજા, કતારગામમાં નવા કેસ નોંધાયા છે. મીઠી ખાડી, ઉમરવાડા અને રૂસ્તમપુરામાં પણ કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 86 થયા છે.
સુરતમાં જે લોકોમાં તાવ કે શરદી અથવા બીજા સામાન્ય લક્ષણો નહતો દેખાતા તેવા લોકોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે જેને સાઈલેન્ટ કેરિયર કહે છે. સુરતમાં કોન્ટેક્ટ ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થઈ ગયો છે. એટલે કે કોરોનાના દર્દીના સંપર્કમાં આવવાથી અથવા સંપર્કમાં આવેલા માણસના સંપર્કમાં આવવાથી આ રોગ ફેલાય છે.
સુરતમાં લાગી શકે છે ક્ફર્યુ
અમદાવાદ બાદ હવે સુરતમાં કર્ફ્યૂ લગાવવામાં આવે તેને લઈને પોલીસ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. શહેરના 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ અંગે વિચારણા ચાલી રહી છે. સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતા પોલીસ કમિશનર કર્ફ્યૂ લગાવી શકે છે. ચોક, લાલગેટ, સલાબતપુરા, મહિધરપુરા પોલીસ સ્ટેશનને આવરી લેવાશે. આજે ઉચ્ચ અધિકારીઓ વિસ્તારની સ્થિતિનો તાગ મેળવશે. તાગ મેળવ્યા બાદ આજે સાંજ સુધીમાં પોલીસ કમિશનર દ્વારા નિર્ણય કરાશે.