રાજ્યમાં દિવસે દિવસે કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે,ત્યારે હવે કોરોના મુદ્દે ભાવનગર જીલ્લા માટે માઠા સમાચાર આવ્યા છે. ભાવનગરમાં કોરોનાથી વધુ એક મોત થયુ છે. ગુજરાતમાં કોવિડ સંક્રમણથી આ છઠ્ઠુ મોત થયુ છે. જેસરનાં મોટાખુટવડા ગામની 45 વર્ષીય મહિલાનું મોત થયુ છે. આ મોત બાદ ભાવનગરમાં મોતનો આંકડો 2 ઉપર પહોંચી ગયો છે. આ મહિલાને સુરતથી એનાં સંબંધી દ્વારા ચેપ લાગ્યો હોવાની આશંકા છે. ભાવનગરનાં પાંચ પોઝીટીવ કેસ પૈકી એકનું મોત થયુ છે. આ મહિલાનું મોત આજે વહેલી સવારે થયુ હતુ.
પહેલાં પણ થયું હતુ મોત
ભાવનગરમાં એક સાથે પાંચ કોરોનાના નવા કેસ આવતા હાહાકાર મચી ગયો હતો. ભાવનગરનાં વડવા રાણીકા જેવા ગીચ વિસ્તારમાં કેસ પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતા પ્રસરી ગઈ છે. સાથે સાથે ઘોઘારોડ શિશુવિહાર અને જેસરના કેસના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ અગાઉ પણ ભાવનગરમાં કોરાના કારણે એક નું મોત નીપજ્યું હતું વધુ પાંચ કેસ આવતા તંત્ર માં દોડધામ મચી છે. તે સાથે શહેરમાં લોક ડાઉનનું ચુસ્તપણે અમલ થાય અને લોકો હવે ઘરની બહાર ના નીકળે તેવી તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં 6નાં મોત
અમદાવાદમાં 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો, દુર્ભાગ્યવશ આજે આ વ્યક્તિનું નિધન થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હતો. આ ઉપરાંત 34 વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે. ગુજરાતમાં આ સાથે પાંચ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ રવિવારે સવારે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓ સારવાર પછી હવે સારા થઈ ગયા છે. આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે 14 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
મૃતક વૃદ્ધ 11 માર્ચે દિલ્હી ફ્લાઇટમાં આવ્યા ત્યારે ASI તેના સંપર્કમાં આવ્યા હતા
કોરોના વાઇરસના પોઝિટિવ વૃદ્ધનું 26 માર્ચે ભાવનગરમાં મોત નીપજ્યું હતું. આ વૃદ્ધ 8 માર્ચે ભાવનગરથી દિલ્હી ફ્લાઇટમાં ગયા હતા. બાદમાં 11 માર્ચે તેઓ ફ્લાઇટમાં પરત ફરતા હતા ત્યારે ભાવનગર હેડક્વાર્ટરના ASI તેના સંપર્કમાં આવ્યા હતા. ASIના સંપર્કમાં 3 મહિલા પોલીસ અને અન્ય 10 પોલીસ કર્મચારીઓ સંપર્ક આવ્યા હતા. આથી ભાવનગર પોલીસે 27 માર્ચે તમામને હોમ ક્વોરોન્ટાઇન કર્યા હતા.