કોરોનાવાઈરસ ઝડપથી તેનું સ્વરૂપ અને સંક્રમણ કરવાની રીત પણ બદલી રહ્યો છે. દુનિયાભરમાં કેસ વધવાની સાથે સંક્રમણનાં કારણો પર પણ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે, જેમાં એવું જાણવા મળ્યું છે કે, વાઈરસ શરીરના દરેક હિસ્સામાં લોહી પહોંચડાતી રક્તવાહિનીઓ પર હુમલો કરી રહ્યો છે.
સંશોધક ફ્રેંક રસ્ચિજ્કાના જણાવ્યા પ્રમાણે, રક્તવાહિનીઓની ઉપરની સપાટી પર હુમલો કરે છે, આ ભાગને એન્ડોથેલિયમ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે અને શરીરમાં કોઈ એક ભાગમાં લોહી જમા થવા લાગે છે. રિસર્ચનાં પરિણામોથી એક વાત સ્પષ્ટ થાય છે કે કોરોનાવાઈરસ માત્ર ફેફસાંને જ નથી જકડી રહ્યો, પરંતુ બીજાં અંગોને પણ અસર કરી રહ્યો છે.
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, બીજા લોકોની સરખામણીએ હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ ધરાવતા લોકોને કોરોનાના સંક્રમણનું જોખમ વધારે રહે છે. આવા દર્દીઓએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. સંશોધક ફ્રેંક રસ્ચિજ્કાના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી સંક્રમણના આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં કોરોના હૃદય, કિડની આંતરડાં અને ફેફસાંને જકડી ચૂક્યો છે.
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, સંક્રમણની રીતને સમજવા માટે કોરોના પીડિતોની રક્તવાહિનીઓને ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપમાં જોવામાં આવી તો તે ક્ષતિગ્રસ્ત જોવા મળી. તેનું કારણ ACE2 રિસેપ્ટર એન્ઝાઈમ જણાવવામાં આવ્યું છે. આ એન્ઝાઈમ શરીરનાં ઘણાં અંગો જેમ કે ફેફસાં, હૃદયના કોષો અને કિડનીમાં જોવા મળે છે. વાઈરસ આ એન્ઝાઈમને જકડી રાખે છે અને બાદમાં સંક્રમણ ફેલાવે છે.
સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, પહેલાથી કોઈ ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકોની રક્તવાહિનીઓ નબળી હોવાને કારણે તેમને કોરોના સંક્રમણનું જોખમ વધારે રહે છે. સ્મોકિંગ, હાઈ બીપી, હૃદય રોગ, મેદસ્વિતા, ડાયાબિટીસના દર્દીઓમાં આ કમજોરી હોય છે અને તેનો ફાયદો કોરોનાનાવાઈરસને મળી રહ્યો છે. કોરોના દર્દીઓના ઓટોપ્સી રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ પણ થઈ છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, રક્તવાહિનીઓની ઉપરની સપાટીમાં વાઈરસનું તીવ્ર સંક્રમણ હતું.