દેશમાં કોરોના વાયરસનો ખતરો ઘટવાની જગ્યાએ વધતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આ વાયરસના કારણે દેશમાં બે લોકોના મોત થયા હતા ત્યારે કોરોના વાયરસે ભારતમાં વધુ એક વ્યક્તિનો જીવ લેતા મૃતાંક વધીને ત્રણ થયો છે.
મુંબઈમાં કોરોનાથી ગ્રસ્ત 64 વર્ષના વૃદ્ધે દમ તોડતા ખળભળાટ મચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 125 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે જે પૈકી સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં 39 છે.પ્રાપ્ત વિગતો મુજબ 64 વર્ષના વૃદ્ધ દુબઈથી પરત ફર્યા હતા અને મુંબઈની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ હતા. તેમને હિન્દુતાથી કસ્તૂરબા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. મૃતકની પત્ની અન પુત્રનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્રમાં નાગપુર તેમજ નાસિકમાં કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે સીઆરપીસીની કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.દરમિયાન દિલ્હીના નોઈડામાં કોરોના બે કેસ પોઝિટિવ આવ્યા હોવાનું જણાયું છે. ગૌતમબુદ્ધનગરના ચીફ મેડિકલ ઓફિસર અનુરાગ ભાર્ગવે જણાવ્યું કે નોઈડાના સેક્ટર 78 તેમજ 100માં બે કેસોની પુષ્ટિ થઈ છે. આ બન્ને વ્યક્તિ ફ્રાન્સથી પરત ફર્યા હતા. બન્નેને આઈસોલેશનમાં દાખલ કરવામાં આવ્યા છે…