પૂણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટે ભારતમાં કોવિડ 19ના પ્રસ્તાવિત વેક્સીનની કિંમત લગભગ 1000 રૂપિયા પ્રતિ ડોઝ રાખવાની યોજના બનાવી છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ આ પહેલા ડેંગ્યૂ અને ન્યૂમોનિયા માટે સસ્તી અને સારી વેક્સીન બનાવી ચૂકી છે. હવે તે ઑક્સફોર્ડ યૂનિવર્સિટીના નેતૃત્વવાળા કંસોર્શિયમની સાથે મળીને કોવિડ 19ની રસી બનાવી રહી છે.
આ કંસોર્શિયમ 23 એપ્રિલથી માણસો પર આ વેક્સીનની ટ્રાયલ શરૂ કરી ચૂક્યું છે. તે દુનિયામાં કોરોના વાયરસની સારવાર માટે બનેલો પહેલો પ્રોજેક્ટ છે. દુનિયાભરમાં કોરોના વાયરસની વેક્સીન બનાવવાની કોશિશ થઇ રહી છે. જોકે હાલ તો આ બીમારીની વેક્સીન ઉપલબ્ધ નથી.
પૂનાવાલાએ જણાવ્યું, અમે સપ્ટેમ્બરમાં યૂકેમાં ટ્રાયલની રાહ જોઇ રહ્યા નથી. તેથી અમે ઉત્પાદન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ક્લિનિકલ ટ્રાયલ સફળ રહેવા પર અમે પહેલા 6 મહીના સુધી 40થી 50 લાખ ડોઝ દર મહીને તૈયાર કરવાના લક્ષ્યની સાથે કામ કરીશું. ત્યારબાદ ઉત્પાદન એક કરોડ સુધી કરી દેવામાં આવશે. આ હિસાબે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી 2થી 4 કરોડ વેક્સીનનો ડોઝ તૈયાર થઇ જશે.
તેઓએ જણાવ્યું, આ વેક્સીન પૂણે સ્થિત સીરમ કંપનીમાં તૈયાર કરવામાં આવશે. નવો પ્લાન્ટ તૈયાર કરવામાં 3 હજાર કરોડ અને 2 વર્ષનો સમય લાગશે. તેના માટે અમે અહીં બાકી તમામ વેક્સીનનું ઉત્પાદન બંધ કરી દઇશું. પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે આ પ્રોજેક્ટમાં 15 કરોડ ડૉલરનો ખર્ચ આવશે. અમને આશા છે કે સરકાર પણ પાર્ટનર બનશે. જેનાથી અમે ખર્ચાઓની ભરપાઇ કરી શકીશું. સીઇઓએ જણાવ્યું કે ભારતમાં આ વેક્સીનની કિંમત અપેક્ષિત રીતે ઓછી રહેશે. બ્રિટેન જેવા દેશોમાં ભારતથી 10 ગણી વધારે કિંમત પર વેક્સીન મળી રહી છે.