કોરોના વાયરસનો ચેપ ભારત સહિત દુનિયાના 140થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ વાયરસને મહામારી ઘોષિત કરી છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે કોરોનાની બિમારી કેવી રીતે ફેલાય છે અને તેનાથી બચવા શું કરવું તે અંગે પણ સ્વાસ્થ્ય વિભાગ તથા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.કોરોના વાયરસને કારણે લોકો હાથ ધોવા અને સ્વચ્છતા પાછળ વધુ પડતુ ધ્યાન આપી રહ્યા છે. ભરુચ શહેરમાં પણ સેનેટાઈઝર અને હેન્ડવોશના વેચાણ વધી રહ્યું છે. વાલીઓ બાળકોને સતત હાથ ધોવા, બહારથી આવે તો કપડા બદલવાનો આગ્રહ રાખતા થયા છે. જેના કારણે બાળકો પર વિપરીત અસર પડી રહી હોવાનું ભરુચના એક સાયકોલોજિસ્ટે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, બાળકોને વારંવાર હાથ ધોવાનો આગ્રહ સતત 3થી 4 મહિના સુધી રાખવામાં આવે તો બાળકો સહિતના લોકોની માનસિક્તા પર અસર થશે. તેમને ઓબ્સેસિવ-કમ્પલસિવ ડિસઓર્ડર (ઓસીડી) થવાની શક્યતા વધી જશે. તેમજ કેટલીક વખત વાલીઓની વધુ પડતી કાળજીના કારણે બાળકોને બિમારીનો ભોગ બનવો પડે છે.
ભરુચના સાયકોલોજિસ્ટના જણાવ્યા મુજબ, કેટલાક વાલીઓ બાળકોને પોકેટમાં સેનેટાઇઝર મુકી સતત હાથ સાફ કરવા સુચન કરે છે… જેથી તેને હાથ ધોવાની બિમારી એટલે કે ઓબ્સેસિવ-કમ્પલસિવ ડિસઓર્ડર (ઓસીડી) થઇ શકે છે..
સાયકોલોજિસ્ટ નિશિ પાટીલના જણાવ્યા મુજબ, ઓસીડી એ એક માનસિક રોગ છે. જેમાં દર્દીમાં કેમિકલ ઇમબેલેન્સને કારણે વારંવાર હાથ ધોવાની આદત અને સ્વચ્છતાનો આગ્રહી થઇ જાય છે. તેને દરેક જગ્યા પર કિટાણુ દેખાય છે. ગંદકીને કારણે તો કેટલીક વખત માનસિક સંતુલન ગુમાવી શકે છે. પીડીત તેની સામે એક કચરાનું તણખલું કે દાગ જોઇ શકતો નથી.