ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ અને સુરતમાં 1-1 કેસ પોઝિટિવ આવ્યા બાદ હવે અમદાવાદ અને વડોદરામાં પણ પોઝિટિવ કેસ નોંધાતા સરકારની ચિંતા વધી છે. તેમજ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.અમદાવાદમાં કોરોના વાયરસના બે અને વડોદરામાં એક કેસ પોઝિટિવ નોંધાયો છે. ગુજરાતમાં કોરોનાનો પગપેસારો થઈ જતા રુપાણી સરકાર હરકતમાં આવી છે. ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આ અંગે જણાવ્યુ હતું કે, અમદાવાદમાં બે, વડોદરા, સુરત અને રાજકોટમાં એક-એક કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. આ પહેલા આરોગ્ય મંત્રી નીતિન પટેલે પણ આ અંગે સંકેત આપ્યા હતા અને ગુજરાતમાં કેટલાક પોઝિટિવ કેસ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.ત્યારે હજી પણ વધુ પોઝિટિવ કેસ નોંધાવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે… ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ અંગે જયંતિ રવિ જણાવ્યું કે, કોરોના પોઝિટિવ દર્દીઓની સ્થિતિ સ્થિર છે. કોરોનાના દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા નથી. આ તમામ અસરગ્રસ્તો વિદેશથી આવેલા છે. તેમજ તેમની ઉમર 36 વર્ષથી વધુ નથી. તેમણે જણાવ્યું કે, 150 શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી પાંચના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, હજુ 22ના રિપોર્ટ આવવાના બાકી છે. જ્યારે 123ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.