‘એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ મુજબ, પ્રદૂષણને દૂર કરવામાં ટેક્નોલોજી કરતાં વૃક્ષો વધારે ફાયદાકારક સાબિત થયા છે. છોડ અને વૃક્ષોને રહેઠાણ અને ફેક્ટરીવાળી જગ્યા પર ઉગાડવાથી હવાનું પ્રદૂષણ 27% ઘટે છે. છોડ અને વૃક્ષો વાવવાના ઘણા બધા ફાયદા છે. પર્યાવરણની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક છે. આ રિસર્ચમાં વિવિધ 75 દેશોના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો .જેમાં પુરવાર થયું કે ટેક્નોલોજી કરતાં છોડ અને વૃક્ષો સસ્તામાં અને વધુ સારી રીતે હવાનું પ્રદૂષણ દૂર કરે છે. આ રિસર્ચ કરવા માટે 48 રાજ્યોમાં વાયુ પ્રદૂષણ પર વૃક્ષ અને છોડની કેવી અસર થાય છે તેનું અવલોકન કરવામાં આવ્યું. રિસર્ચમાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્રદૂષકોની અસર છોડ અને વૃક્ષો પર કેવી થાય છે તેનું અવલોકન કરવામાં આવ્યું. જેમાં જોવા મળ્યું કે વૃક્ષ અને છોડ વાવવાથી હવાનું પ્રદૂષણ 27% જેટલું ઘટાડી શકાય છે. રિસર્ચમાં એમ પણ પુરવાર થયું કે વૃક્ષ અને છોડ વાવવાથી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં હવાનું પ્રદૂષણ ઘટાડી શકાય છે, જોકે તેની તીવ્રતા કેટલાક પરિબળો પર આધાર રાખે છે. રિસર્ચના પરિણામ દર્શાવે છે કે હવાના પ્રદૂષણને દૂર કરવામાંની પદ્ધતિમાં કુદરતી પદ્ધતિઓની મદદ ઘણી અસરકારક સાબિત થાય છે.