આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જાગૃત થઈ ગયા છે. લોકો ફીટ અને તંદુરસ્ત રહેવા માટે જિમ-કસરતથી માંડીને જાત જાતના નુસખા કરે છે. ઉલ્લેખનીય છે કે, એટલે જ હવે ગ્રીન ટીની બોલબાલા પણ વધી ગઈ છે. હૂંફાળી ગ્રીન ટી પીવાથી ચાના શોખીનોને ચા પીવાનો પણ સંતોષ મળે છે અને સાથે સાથે વજન પણ નથી વધતું. વજન ઘટાડવા, પાચન શક્તિ મજબૂત કરવા, હૃદયનું સ્વાસ્થ્ય સુધારવામાં ગ્રીન ટી એક ખૂબ સારો વિકલ્પ છે. ચામાં ગ્રીન ટી એક ખૂબ સારો વિકલ્પ છે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ અમુક લોકોને આ ગ્રીન ટીની એલર્જી પણ હોય છે. જો રોજના 2-3 કપ ગ્રીન ટી પીવાથી માથાનો દુઃખાવો, પેટમાં તકલીફ, ઊંઘ ન આવવી વગેરે જેવી સમસ્યા થાય તો તરત ચેતી જવાની જરૂર છે. મળતી માહિતી અનુસાર, ગ્રીન ટી પીધા પછી માથુ ભારે લાગતું હોય, ચક્કર આવતા હોય તો તેને ગ્રીન ટીથી સમસ્યા થઈ શકે છે. ગ્રીન ટીમાં સારી માત્રામાં કેફેન હોય છે. કેફેનને કારણે માથાનો દુઃખાવો થાય એવું શક્ય છે. જો દુઃખાવો વધે તો મેડિકલ હેલ્પ લેવી જોઈએ.ગ્રીન ટીને કારણે નર્વસ સિસ્ટમ વધુ કામ કરવા માંડે છે. તેને કારણે ઊંઘમાં પણ ખલેલ પહોંચી શકે છે. ગ્રીન ટીની આ સૌથી સામાન્ય સાઈડ ઈફેક્ટ છે. ઘણા લોકોને ગ્રીન ટીને કારણે પેટમાં દુઃખાવો પણ થઈ શકે છે. ગ્રીન ટી ગેસ્ટ્રિક એસિડમાં વધારો કરે છે. તેને કારણે એસિડીટી, પેટમાં બળતરા, ઉલ્ટી-ઉબકા, અપચા જેવી તકલીફ થઈ શકે છે.