શિયાળામાં દરેકમાં ઘરે બનતા એવા તુવેરના ટોઠા જે દરેકના પ્રિય હોય છે.અને તેને અલગ-અલગ રીતે ખાવામાં આવે છે. અમુક લોકોને રસાવાળા ભાવે,કોઇને લચકા પડતા ભાવે અને તુવેરના ટોઠાને ભાત,પરોઠા,બ્રેડ કે પછી એકલા પણ ખાવાની ખૂબ મજા આવે છે.
તો આજે આપણે જોઇશું તો તુવેર ટોઠાની સરળ રેસિપી.
તુવેરના ટોઠા બનાવવા માટે જોઇશે.
- 200 ગ્રામ તેલ
- 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
- 1 ટેબલ સ્પૂન લીલામરચાંની પેસ્ટ
- 1 બાઉલ લીલું લસણ
- 500 ગ્રામ લીલી ડુંગળી
- 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું
- 2 ટેબલ સ્પૂન ગરમ મસાલો
- 1 ટી સ્પૂન હળદર
- 2 ટેબલ સ્પૂન ધાણા જીરૂ
- સ્વાદઅનુસાર મીઠું
- 250 ગ્રામ બાફેલી સૂકી તુવેર
- 1 ટેબલ સ્પૂન આંબલીની પેસ્ટ
ગાર્નિસિંગ માટે
- કોથમીર
- લીલી ડુંગળી
તુવેરના ટોઠા બનાવવાની રીત
સૌપ્રથમ એક પેનમાં 200 ગ્રામ તેલ લેવુ ( તેલનું પ્રમાણ વધારે ઓછુ કરી શકાય છે.પરંતુ તેલનું પ્રમાણ વધારે રાખવું કારણ કે આમા આપણે પાણી ઉપયોગ કરવાના નથી)
તેલ ગરમ થાય એટલે તેમા 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ નાખવી,લસણની પેસ્ટ બરાબર શેકાય એટલે તેમાં 1 ટેબલ સ્પૂન લીલામરચાં ની પેસ્ટ નાખવી.( લીલા મરચાંનું પ્રમાણ વધારે ઓછુ કરી શકાય છે.)
લીલા મરચાં શેકાય એટલે તેમા 1 બાઉલ લીલું લસણ ઉમેરવું.લીલા લસણને બરાબર શેકાવા દેવું, લીલુ લસણ બરાબર શેકાય એટલે તેમા 500 ગ્રામ લીલી ડુંગળી ઉમેરવી.(લીલી ડુંગળીનું પ્રમાણ તુવેર કરતા બમણું લેવું એટલે આપણે અત્યારે 250 ગ્રામ તુવેર લઇ રહ્યા છે ,એટલે આપણે 500 ગ્રામ લીલી ડુંગળીનો ઉપયોગ કર્યો છે.)
ત્યારબાદ લીલીડુંગળીને 10 મિનિટ સુધી બરાબર શેકવી.બધુ બરાબર શેકાય જાય એટલે તેમા 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ( મરચાનું પ્રમાણ તમે તમારા સ્વાદપ્રમાણે ઓછુ કરી શકો છો.),2 ટેબલ સ્પૂન ગરમ મસાલો ,1 ટી સ્પૂન હળદર ,2 ટેબલ સ્પૂન ધાણા જીરૂ ઉમેરવું ત્યારબાદ તેમા સ્વાદઅનુસાર મીંઠુ ઉમેરી બધુ બરાબર મિક્સ કરી લેવું.
બધુ બરાબર મિક્સ થઇ જાય એટલે તેમા 250 ગ્રામ બાફેલી સૂકી તુવેર ઉમેરવી ( સૂકી તુવેરને પલાળીને તેમા મીંઠુ નાખી બાફી લેવી).તુવેર ઉમેર્યા પછી તેને 5 મિનિટ સુધી બરાબર મિક્સ કરી લેવું ત્યારબાદ તેમા 1 ટેબલ સ્પૂન આંબલીની પેસ્ટ ઉમેરી બધુ 2-3 મિનિટ માટે બરાબર મિક્સ કરી લેવુ.
(આ વાનગીમાં આપણે પાણીનો ઉપયોગ કર્યો નથી તેથી તેલનું પ્રમાણ વધુ રાખવું)
તો હવે તૈયાર છે એકદમ ટેસ્ટી તુવેરના ટોઠા જેને કોથમીર અને લીલી ડુંગળીથી ગાર્નિસિંગ કરવું
તુવેરના ટોઠાને ઘઉંની બ્રેડ સાથે સર્વ કરીશું