સ્ત્રી માટે પ્રેગ્નન્સી જેટલો ખુશીનો સમય હોય છે તેટલો જ સાવધાનીનો પણ હોય છે. ઘણીવાર સગર્ભા આહાર વિશે ખૂબ જ ચિંતિત હોય છે અને બધું નવું ખાવાથી ડરતી હોય છે. સગર્ભાના મનમાં ઘણીવાર એક પ્રશ્ન હોય છે કે શું તેમના દ્વારા લેવામાં આવેલ આહાર બાળક માટે સલામત છે કે નહીં. પ્રેગ્નન્સી દરમિયાન રીંગણાં ખાવાથી ઘણા આરોગ્ય લાભ મળે છે. ત્યારે રીંગણનું નામ સાંભળતાં જ કેટલીક મહિલાઓને ચીડ ચડતી હોય છે અને તેમને તે ખાવાનું બિલકુલ પસંદ નથી હોતું, પરંતુ તેના ફાયદાઓ વિશે જાણ્યા પછી તમે તેને ખાવાથી રોકી શકશો નહીં.
ગર્ભવતીઓમાં કબજિયાતની સમસ્યા ઘણી વખત જોવા મળે છે અને તેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. રીંગણનું નિયમિત સેવન કરવાથી પાચનક્રિયા ઝડપી બને છે, જેનાથી કબજિયાત અને અપચા જેવી સમસ્યાઓ દૂર થાય છે. રીંગણ કોઈ સામાન્ય શાકભાજી નથી, તે કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને ફોલેટ જેવાં ચોક્કસ પોષક તત્ત્વોનો સારો સ્રોત છે, જે તમામ સગર્ભાઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો ગર્ભવતીઓ પણ પોતાના ડાયટમાં રીંગણનો સમાવેશ કરે છે તો તેમના સ્વાસ્થ્ય માટે તે ફાયદારૂપ છે.
રીંગણમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા અને સારા કોલેસ્ટ્રોલ વધારવાના ગુણો પણ છે. જો સગર્ભાઓ નિયમિત રીંગણનું સેવન કરે છે તો તેમને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા થવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. રીંગણ વિશેષ વિટામિન અને અન્ય પોષક તત્ત્વોનો સ્રોત છે, જે રોગપ્રતિકારકશક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓનું શરીર ઘણીવાર નબળું પડી જાય છે અને તેમને અનેક પ્રકારની બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં રીંગણનું સેવન તેમના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.