મધપૂડામાં માત્ર છૂંદેલાં બટાટા અને ટમેટાં હોય છે જેને તમે ઘટ્ટ ગ્રેવી કહી શકો. મધપૂડા સાથે તમને કોબી, ટમેટાં, ગાજરનું સૅલડ આપે. સાથે આથેલાં મરચાં હોય, લસણની ચટણી હોય અને ચાપડી હોય. તમારે ચાપડીનો ભૂકો કરી ગ્રેવીમાં મિક્સ કરી એ ખાવાનું. જો ટ્રેડિશનલ ફૂડ ભાવતું હોય તો સાતે કોઠે દીવા થઈ જાય એવી વરાઇટી.ચાપડી માટે તો તમને અગાઉ કહ્યું છે એમ, ચૂરમાના લાડુ બનાવવા માટે જે કરકરો લોટ હોય એમાંથી એ બને અને આ ચાપડી શેકેલી નહીં, તળેલી હોય પણ એમાં તેલ કે ઘી તમને સહેજ પણ જોવા મળે નહીં. સો ટકા શુદ્ધ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનતી આ લસણની ચટણી તમે હાથમાં લઈને મોઢામાં મૂકો એ પહેલાં જ એની ખુશ્બૂ તમને આવવા માંડે. યાદ રાખજો, ફૂડમાં ખુશ્બૂ હોવી ખૂબ જરૂરી છે.
આ ખુશ્બૂ ભૂખ ઉઘાડવાનું કામ કરે છે.ટમેટાને કારણે મધપૂડો ચટાકેદાર લાલ રંગનો બને છે. બાફેલા બટાટાને પીસીને એમાં નાખવામાં આવે ત્યારે શાકની સપાટી પર જે ભાત ઊપસે એ ભાત ડિટ્ટો પેલા ઝાડ પર થતા મધપૂડા જેવી ઊભી થતી હોવાને લીધે આ શાકનું નામ મધપૂડો પડ્યું છે. મધપૂડો અત્યારે શિયાળામાં ખવાય છે પણ પહેલાં એ ચોમાસામાં ખવાતો. વરસતા વરસાદ વચ્ચે વાડીએથી પાછા આવ્યા પછી તીખોતમતમતો મધપૂડો ખાઈને ઠંડી ઉડાડવા માટે આ રેસિપી ઘરમેળે શોધવામાં આવી હોવાનું કહેવાય છે, જે વાતમાં તથ્ય લાગે છે; કારણ કે શિયાળામાં તો બધાં શાક સરળતાથી મળે અને એ જ ખાવાનાં હોય તો પણ આ મધપૂડામાં બારેમાસ મળતાં ટમેટાં અને બટાટા સિવાય બીજા કોઈ શાકનો ઉપયોગ નથી થતો
એટલે માની શકાય કે આ આઇટમ પહેલાં ચોમાસામાં ખવાતી હોઈ શકે છે પણ આપણે શું, આપણને તો ભાવતાં ભોજનિયાં અને નિતનવી નખરેદાર આઇટમ મળે એટલે જલસો જ જલસો અને એવો જ જલસો પડ્યો મધપૂડો ખાઈને.તમારે પણ આવો જ જલસો કરવો હોય,તો રાજકોટના યુનિવર્સિટી રોડ પર સંતોષ ચાપડી-ઊંધિયું સેન્ટર જવાનું ચૂકતા નહીં. શિયાળા પૂરતો જ મધપૂડો અહીં મળે છે એટલે જો આ દિવસોમાં જવાનું બને તો ચાપડી-ઊંધિયું નેક્સ્ટ ટાઇમ પર રાખીને પણ મધપૂડો ટ્રાય કરવાનું ચૂકતા નહીં.