સુરતનું નામ પડે એટલે સૌથી પહેલા કોઈ વસ્તુ યાદ આવે તે છે સુરતી લોચો. હવે લોકડાઉનમાં સુરતી લોચો ઘરે બનાવો,જો તમને પણ લોચો ભાવતો હોય તો ઘરે બનાવી શકો છો. નોંધી લો રીત.
સામગ્રી
1 કપ ચણાની દાળ
1 ટે. સ્પૂન અડદની દાળ
1 કપ પાણી
2 ટે. સ્પૂન દહીં
1 ટે. સ્પૂન ચણાનો લોટ
1 ટે. સ્પૂન આદુ-મરચાની પેસ્ટ
1 ટી સ્પૂન હળદર
1 ટી સ્પૂન હીંગ
સ્વાદાનુંસાર મીઠું
2 ટે. સ્પૂન તેલ
ચપટી ખાવાનો સોડા
1 ટી સ્પૂન લાલ મરચું પાઉડર
2 ટે. સ્પૂન બટર
2 ટે. સ્પૂન સમારેલી ડુંગળી
2 ટે. સ્પૂન મોળી સેવ
2 ટે. સ્પૂન ગ્રીન ચટણી
1 ટે. સ્પૂન સમારેલી કોથમીર
બનાવવાની રીત
બાઉલમાં ચણાની દાળ અને અડદની દાળ લઈને સારી રીતે ધોઈ લો. હવે દાળ ડૂબે એટલું પાણી ઉમેરીને 6 કલાક માટે પલાળવા મૂકો. દાળ પલળી જાય એટલે તેમાંથી પાણી કાઢીને તેને મિક્સર જારમાં લઈ અધકચરી ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં પાણી, દહીં તેમજ ચણાનો લોટ ઉમેરીને ફરીથી ક્રશ કરી લો.
આ બેટરને બાઉલમાં લઈ લો. લોચા માટે પર્ફેક્ટ આથો આવે તે જરૂરી છે. તેથી બેટરને 5-6 કલાક માટે રેસ્ટ આપો. ત્યારબાદ તેમાં આદું-મરચાની પેસ્ટ, હળદર, હીંગ, મીઠું, તેલ તેમજ ખાવાનો સોડા ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લો. જો બેટર થોડું જાડું લાગતું હોય તો તેમાં થોડું પાણી ઉમેરી શકો છો. આ બેટરને ખમણ માટેનું ખીરું બનાવીએ તેના કરતાં થોડું પાતળું રાખવાનું છે.
એક સ્ટીમર લો, તેને ગેસ પર ગરમ કરવા મૂકી દો, ફ્લેમ મીડિયમ રાખવી. સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરીને તેમાં લોચા માટેનું બેટર પાથરી દો. ઉપરથી લાલ મરચું પાઉડર સ્પ્રિન્કલ કરીને 8-10 મિનિટ માટે ચડવા દો.
8-10 મિનિટ બાદ લોચો સરસ બફાઈ ગયો હશે. તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો. તેમાં ઉપરથી બટર અથવા તેલ, ડુંગળી, મોળી સેવ, ગ્રીન ચટણી, બનાવેલો સ્પેશિયલ મસાલો ઉમેરો. હવે, તેને કોથમીરથી ગાર્નિંશ કરી સર્વ કરો. તો તૈયાર છે સુરતી લોચો.