ઉપવાસ એટલે ફરાળ કરવાનો દિવસ. મોટાભાગના લોકો ઉપવાસ કરે ત્યારે ફરાળમાં ફરાળી ચેવડો, સૂકી ભાજી અને મૌરેયાની ખીરને એવું બધું ખાતા હોય છે. મોટાભાગની ફરાળી વાનગી ઘરે જ બનાવવામાં આવે છે સિવાય કે ફરાળી ચેવડો. તો ચલો આજે અમે તમને હોમમેડ ફરાળી ચેવડો બનાવવાની રેસિપી શીખવી દઈએ
સામગ્રી
- 4 નંગ બટાકા
- 1 કપ સીંગ
- 3 ચમચી કાજુના ટુકડા
- 3 ચમચી કિસમિસ
- 2 નંગ સમારેલા લીલા મરચા
- 2 ચમચી દળેલી ખાંડ
- સ્વાદાનુંસાર સિંધાલૂણ મીઠું
- તળવા માટે તેલ
બનાવવાની રીત
બટાકાને સાદા પાણીથી ધોઈને તેને કપડાથી સાફ કરી લો. બાદમાં તેની છાલ ઉતારી લો. બટાકાની છીણ પાડવાનું જે મશીન આવે છે તેની મદદથી બધા બટાકા છીણી લો.
બટાકાની છીણને પાણીમાં નાખો. આ છીણને 4-5 વખત સારા પાણીથી ધોઈ લો. દરેક વખતે પાણી બદલી દેવું. હવે આ છીણને 5 મિનિટ માટે પાણીમાં જ રહેવા દો. બાદમાં છીણને પાણીમાંથી કાઢીને કોરી કરીને સુતરાઉ કપડામાં 15 મિનિટ માટે સૂકવી દો.
સૂકાઈ ગયેલી છીણને બાઉલમાં લઈ લો અને ઉપરથી થોડું મીઠું છાંટીને હળવા હાથે મિક્સ કરી લો. પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે છીણને તેમાં કડકડી થાય ત્યાં સુધી તળી લો.છીણ તળાઈ જાય એટલે તેને બાઉલમાં લઈ લો. આ જ તેલમાં વારાફરતી સીંગ, કાજુ, દ્રાક્ષ અને સમારેલા લીલા મરચાને તળી લો અને તેને પણ એક અલગ બાઉલમાં કાઢી લો.એક મોટો બાઉલ લો. તેમાં તળેલી બટાકાની છીણ, તળેલી સીંગ, તળેલા કાજુ-દ્રાક્ષ અને મરચા ઉમેરીને મિક્સ કરી લો. ઉપરથી ખાંડ પાઉડર ઉમેરીને ફરીથી મિક્સ કરી લો. તો તૈયાર છે હોમમેડ ફરાળી ચેવડો.