ઊંચી વ્યક્તિની એક આગવી પ્રતિભા પડે છે પણ બધાને ઊંચાઈ નસીબમાં હોતી નથી. માતા પિતાએ વારસામાં આપેલી ઊંચાઈ જ તેમને પ્રાપ્ત થાય છે. માતા પિતામાંથી એકાદ પણ ઓછી ઊંચાઈ ધરાવતું હોય તો તમને નવાણું ટકા ઓછી ઊંચાઈ જ મળશે. બંને ઊંચા હોય તો નક્કી તમે ઊંચા થવાના પણ તોય હાઈટ ઓછી હોય તો શું કરવું?
આપણે ત્યાં છોકરીઓની સરેરાશ ઊંચાઈ ૫ ફૂટ ગણાય છે. આમ છતાં જે લોકો ઓછી ઊંચાઈના છે તેઓ પ્રયત્ન દ્વારા થોડા ઊંચા જરૃર દેખાઈ શકે છે.
વસ્ત્રોની પસંદગી
નીચી કે ઓછી ઊંચાઈની છોકરીઓ માટે વસ્ત્રોની પસંદગી બહુ ચોક્કસ જાણકારીથી કરવી જોઈએ. ઊંચાઈનો ભ્રમ ઊભો કરવા માટે કપડાની ડિઝાઈન એકદમ ઝીણી, નાની બોર્ડર, એકદમ નાના ડોટસ, એકદમ ઝીણી ચેક્સ, નાના પાલવવાળી સાડી, ઊંભી નાની પાતળી લાઈનની ડિઝાઈન, ઊભી લાઈન હોય તેવી ડિઝાઈન વ્યક્તિને ઊંચી બતાવવામાં ઘણી મદદ કરે છે.
નીચી હાઈટવાળી છોકરીઓને રંગોનું વિજ્ઞાન પણ એવું છે કે આખા શેડસ વધુ ઉઠાવ આપે છે. પ્રિન્ટ હોય કે પ્લેઈન ડિઝાઈન રંગો બહુ ‘ગોડી’ કે મલ્ટીકલર સારા નહીં લાગે. આછા સૌમ્ય રંગો વધુ સારા લાગે છે. સાડી પહેરતા હોતો કોન્ટ્રાસ્ટ કલરનો બ્લાઉઝ પસંદ કરવાને બદલે એક જ રંગનો બ્લાઉઝ ઉંચાઈ દેખાડશે. સલવાર કમીઝ ચૂડીદાર વગેરે એક જ રંગના પસંદ કરવા, સ્કર્ટ પાતળી પ્લીટ્સવાળની લેન્થના (ઘૂંટણ સુધીના) પહેરવાં.
ડ્રેસીઝની સિલાઈમાં ગજવા, ફિલ, ઝૂલ, લેસ, મોટી એમ્બ્રોઈડરી ઓછી રાખવી. અને બને ત્યાં સુધી સીમ્પલ સેટિંગ રાખવું જેનાથી હાઈટ ઊંચી લાગે છે.. ”વી ” નેકના ગળા સ્ટેન્ડપટ્ટી નીચી હાઈટવાળી છોકરીઓને ખુબ જ સારા લાગે છે .કાપડની પસંદગી કરતી વખતે પણ ધ્યાન રાખવું કે વધુ ફુલેલા જાડા કે સ્ટાર્ચવાળા કાપડને બદલે પાતળા પણ પારદર્શક નહીં એવું કાપડ સિલેક્ટ કરવું.. આ રીતે કપડાંની યોગ્ય પસંદગીથી એકાદ ઈંચ જેટલી ઊંચાઈ વધુ દેખાય છે.
પોશ્ચર
ઊંચાઈમાં પોશ્ચરનું આગવું પ્રદાન છે. ટટ્ટાર, મસ્તક, સમાન્તર ખભા, ખેંચેલી છાતી દબાયેલું પેટ, હિપ્સને આપોઆપ બહાર લાવશે અને સુંદર પોશ્ચર સર્જશે જેના કારણે એકથી બે ઈંચની ઊંચાઈ વધુ દેખાશે.પોશ્ચરને સુંદર બનાવવા માટે ઊંડે શ્વાસ લેવાની આદત તેમ જ પોશ્ચરની કેટલીક કસરત નિયમિત કરવાથી થોડા સમયમાં આપોઆપ તે સુધરી જાય છે. બેસતા ઊઠતાં, ચાલતા, પ્રત્યેક પ્રવૃત્તિમાં પોશ્ચરની સભાનતા જાળવવી જરૃરી છે.
નીચી વ્યક્તિને પહોળાઈ ઓછી હોય તો તે ઉંચાઈ આપે છે તેથી વજન વધુ હોય તો થોડી સ્લીમ બોડી કરવાની જરૃર છે. વધુ વજન હોય તો તે ઘટાડવાની તથા ચરબી જે ભાગમાં હોય તે ઓછી કરવાથી ઘણો ફાયદો થાય છે.
હેરસ્ટાઈલ
હેરસ્ટાઈલથી છોકરીઓની ટોટલ પર્સનાલિટી બદલાઈ શકે છે. નીચી છોકરીઓ મોટા ભાગે ગોળમટોળ ચહેરાવાળી હોય છે. તેથી કપાળ નાનું કે ગરદન ટૂંકી હોય ત્યારે વાળને એ રીતે ઓળવા જો કે જેનાથી ચહેરાના આકાળ ગોળમાંથી લંબગોળ બતાવી શકાય.
આ માટે વાળમાં પાંથી ન પાડવી અને ઊભું માથું પણ ઊંચાઈ આપે તેવું ઓળવું. થોડું બેક કોમ્બીંગ કરી વાળ ઊંચા લઈ શકાય. ઉપર રહે તેવી વાળની ઊંચી સ્ટાઈલ, કોરા વાળ અને વાળ કાપેલા હોય તો શોલ્ડર કટ કરેલા વધુ સારા લાગે છે. આનાથી અર્ધા ઈંચથી એક ઈંચ જેટલી ઊંચાઈ વધુ દેખાય છે.
પગરખાં
ઊંચા દેખાવા માટે અતિશય ઊંચી એડીના પગરખાં પહેરવાની જરૃર નથી, એક કે દોઢ ઈંચ ચાલશે અને તે એક ‘ગ્રેઈસફૂલ’ ચાલ આપશે. આ સાથે ઓછો મેકઅપ, સ્મિતભર્યો ચહેરો અને આત્મવિશ્વાસ સાથેની વાતચીત તમારા નીચા કદને જરૃર એક નવીન ઊંચાઈ આપશે!