દેશમાં એક તરફ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને દેશ અને દુનિયાનું અર્થતંત્ર ખતરામાં છે,ત્યારે ફેશબુક મુકેશ અંબાણીની જિયોમાં 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ પછી જિયોમાં ફેસબુકનો હિસ્સો 9.99% થઈ જશે. ભારતીય ટેક્નોલોજી સેક્ટરમાં આ સૌથી મોટું વિદેશી રોકાણ છે. બંને કંપનીઓ વચ્ચે આ ડીલ પછી જિયોનું વેલ્યુએશન 4.62 લાખ કરોડ થઈ જશે. આ મૂલ્યાંકન ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમત 70 માનીને કરવામાં આવ્યું છે. નિયામકની મંજૂરી મળ્યા પછી ફેસબુક, જિયોમાં સૌથી મોટી માઈનોરિટી શેરહોલ્ડર બની જશે.
માર્ક ઝકરબર્ગે ડિજિટલ મીડિયામાં પોતાની કંપનીના વિસ્તાર માટે આ પગલું ઉઠાવ્યું છે. ફેશબુક તરફથી તેની જાહેરાત કરવામાં આવી હતી. ફેસબુક સાથેની પાર્ટનરશીપ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, લાંબા ગાળાના પાર્ટનર બનતાં હું ફેસબુકનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ ડિલથી ભારતને દુનિયાની ડિજિટલ સોસાયટીમાં અગ્રેસર થવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું કે, JioMart અને Whatsapp મળીને 3 કરોડ કરિયાણાના દુકાનદારોને વધુ સમર્થ બનાવશે.વીડિયોના માધ્યમથી નિવેદન આપતાં મુકેશ અંબાણીએ જણાવ્યું કે, હું આશા રાખું છું કે આપ સૌ સુરક્ષિત હશો. હું તમારી સાથે એક ઉત્સાહપ્રેરક સમાચાર આપને શૅર કરી રહ્યો છું. આપણો રિલાયન્સ અને જીઓનો પરિવાર ફેશબુકનું ઉમળકાભેર સ્વાગત કરી રહ્યો છે જેઓ આપણા લાંબા ગાળાના પાર્ટનર તરીકે ઉભર્યા છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને જણાવ્યું કે, Jio અને Facebook મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે લક્ષ્ય પૂરા કરવાના પ્રયાસ કરશે.
ભારતમાં અંદાજે 100 કરોડ મોબાઈલ યુઝર્સ છે. ફેસબુક માટે પણ ભારત સૌથી મોટું વેપાર કેન્દ્ર છે. ફેસબુકની સબસિડીયર વોટ્સએપના પણ ભારતમાં 40 કરોડ યુઝર્સ છે. રિલાયન્સ જિયોના દેશમાં 38.8 કરોડ યુઝર્સ છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં રિલાયન્સે તેમની દરેક ડિજીટલ ઈનીશિએટિવ અને એપ્સને સિંગલ એન્ટિટિ અંતર્ગત લાવવા માટે નવી સબસિડીયર બનાવવાની જાહેરાત કરી હતી. આ નવી કંપનીમાં રિલાયન્સે 1.08 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. જિયો એપ્સ જેવી કે જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ન્યૂઝ વગેરેને આ નવી કંપની અંતર્ગત લાવવામાં આવ્યા છે. તે ઉપરાંત સંભવિત રોકાણકારો માટે સ્ટ્રક્ચર પણ સિમ્પલ બનાવાવમાં આવ્યું છે. 18 માર્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રિલાયન્સ જિયોનું અમુક દેવુ તેમના માથે લઈ લીધુ છે. જોકે નુકસાનની આ રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
ગ્રાહકોની દ્રષ્ટીએ રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. ટ્રાઈના નવા આંકડા પ્રમાણે ડિસેમ્બર 2019 સુધી રિલાયન્સ જિયો પાસે 37 કરોડ ગ્રાહક હતા. જ્યારે 33.2 કરોડ ગ્રાહકો સાથે ડિસેમ્બર મહિનામાં વોડાફોન- આઈડિયા બીજા નંબરની ટેલિકોમ કંપની હતી. ડિસેમ્બર 2019માં 32.72 કરોડ ગ્રાહકો સાથે ભારતી એરટેલ ત્રીજા નંબરની સૌથી મોટી કંપની હતી. ટ્રાઈના નિયમ પ્રમાણે આ મહિનામાં સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ પાસે 11.8 કરોડ અને એમટીએનએલ પાસે 33.76 લાખ ગ્રાહકો હતા.
સોશિયલ મીડિયા કંપની ફેસબુકે ભારતમાં 2020 સુધી 34 કરોડ માસિક એક્ટિવ યુઝર્સ બનાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે. સ્ટેટિસ્ટા ડોટ કોમ પ્રમાણે 2018માં ફેસબુક પાસે 28 કરોડથી વધારે માસિક એક્ટિવ યુઝર્સ હતા. ફેસબુકનું હેડક્વાર્ટર અમેરિકાના કેલિફોર્નિયામાં છે અને તે ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર, વોટ્સએપ, વોચ, પોર્ટલ, ઓક્યૂલસ, કેલીબરા જેવા પ્લેટફર્મનું પણ સંચાલન કરે છે. 2019માં ફેબસુકની કુલ મિલકત 70.697 બિલિયન ડોલર હતી.