એકને નશો છોડાવો, પાંચના જીવન બચાઓ….બીડી છે મોતની સીડી….જેવા અનેક સુત્રો આપણે સાંભળ્યા હશે અથવા વાંચ્યા હશે…..પણ તેમ છતાં વિશ્વમાં હજારો લોકો આજે પણ વ્યસનના કારણે કેન્સરથી પીડાઈને મોતને ભેટતા હોય છે…આજે વર્લ્ડ કેન્સર ડે છે ત્યારે આપણે એક એવી વ્યક્તિ વિષે જાણીશું જેમણે માત્ર વ્યસન છોડી તો દીધું પણ આજે લોકોને વ્યસન છોડાવી રહ્યા છે.. તેમણે માત્ર સંતોનું જીવન જોઈ પોતાના જીવનમાંથી હંમેશ માટે વ્યસન દૂર કરી દીધું….
જીહાં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ ડાહ્યાભાઈ સુથાર કે જેઓ પહેલા વ્યસનના ચંગુલમાં ફસાયેલા હતા. ૫૫ વર્ષીય ગોપાલભાઈએ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ (૯ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૧) સુધીમાં એક લાખ વ્યક્તિઓને વ્યસનમુક્ત બનાવવાનો સંકલ્પ લીધો છે. તેમણે અત્યાર સુધીમાં ૭00થી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા છે. રસપ્રદ બાબત એ છે કે દરરોજ ૧૫ મસાલા અને રોજની ૧૦ સિગરેટ પીનારા ગોપાલભાઈને જ્યારે સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા ત્યારે તેમના ખુદના જીવનમાં પરિવર્તન આવ્યું…તેમણે પોતે તો વ્યસન છોડી દીધું પરંતુ આજે તેઓ અન્યોને પણ વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપી રહ્યા છે…આ કાર્ય માટે તેઓ 24 કલાકમાંથી 3થી 4 કલાક ફાળવે છે….તેમનું કહેવું છે કે, વ્યસન એ આજના યુગનું સૌથી મોટું દુષણ છે. એક વખત માણસ વ્યસનના રવાડે ચડી જાય પછી તે બહાર નીકળી શકતો નથી. વ્યસનને કારણે આર્થિક અને શારીરીક નુકસાન થાય છે.
(બોલીવુડ કલાકાર અનુપમ શ્યામ)
તેમણે પોતાના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ એ પછી કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે પછી કલાકાર કે અધિકારી તમામને વ્યસન અંગે વાત કરી તેમને વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપે છે. ગોપાલભાઈના જણાવ્યા મુજબ તેઓ ૧૭ વર્ષના હતા ત્યારે ખરાબ સંગતે ચડી ગયા અને તમાકુયુક્ત મસાલા અને ધૂમ્રપાન કરવા લાગ્યા. તેમણે જણાવ્યું કે, એક તબક્કે તો મારા પિતા ડાહ્યાભાઈ કહેતા કે ‘આ ગોપાલ કદી વ્યસનમુક્ત નહીં બને…’ જોકે, વર્ષ-૨૦૦૭માં ૪૨મા વર્ષે હું સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજીનાં દર્શન કરવા ગયો હતો અને અચાનક આ મંદિરની પાછળ આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર-સારંગપુર તીર્થ ખાતે ગયો. ત્યાં ઉચ્ચ અભ્યાસથી યુક્ત સંતોને સેવા કરતાં જોયા ત્યારે મને તેઓને મળવાનું મન થયું. તેઓને મળ્યા બાદ હું જ્યારે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને મળવા ગયો ત્યારે તેમના એક ધબ્બાથી જાણે મારા જીવનમાં પરિવર્તન આવ્યું. મેં એ જ ક્ષણે પાન-મસાલા ખાવાનું અને ધૂમ્રપાન કરવાનું છોડીને એક વ્યસનમુક્ત વ્યક્તિ બની ગયો. એટલું જ નહીં, મને બીજાઓને પણ વ્યસનમુક્ત બનાવવાની પ્રેરણા મળી. તેમણે જણાવ્યું કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી લાખો લોકો વ્યસનમુક્ત બન્યા છે, તેમાંનો એક હું પણ છું. હું આ વ્યસનમુક્તિના અભિયાનમાં આજીવન જોડાઈ ગયો છું. હું મારી સાથે બે પુસ્તકો પણ રાખું છું અને તેના દ્વારા હું તેમને સાચું માર્ગદર્શન આપું છું. તેમણે કહ્યું કે તાજેતરમાં જ ચાંગોદરમાં એક ફેક્ટરીમાં ગયો હતો ત્યાં પણ એક સાથે ૩૧ કારીગરોને વ્યસનમુક્ત કર્યા છે. ખાસ કરીને આગામી વર્ષે એટલે કે તા.૯ નવેમ્બરથી તા.૧૧મી ડિસેમ્બર, ૨૦૨૧ દરમિયાન અમદાવાદમાં ‘પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી વર્ષ’ની ૩૩ દિવસની ઉજવણી થવાની છે તે સમયગાળા સુધીમાં એક લાખ લોકોને વ્યસનમુક્ત કરવાના સંકલ્પ લેવડાવવા છે. આ માટે દરરોજ હું ચાર-પાંચ કલાક ફાળવી રહ્યો છું. મારા જીવનનો હેતુ એ છે કે જીવનનાં અંતિમ શ્વાસ સુધી લોકોને વ્યસનમુક્ત બનાવવા છે.