સાબુઓ જુદા જુદા રંગોના હોય છે, પણ જયારે તેમાંથી ફીણ વળે છે ત્યારે એ હંમેશા જ સફેદ રંગનું હોય છે. ત્યારે મનમાં એક સવાલ આવે કે સાબુ શરીરે લગાવ્યા પછી રંગ કયાં ગાયબ થઇ જતો હશે? પણ આ સવાલનો જવાબ તો શાળાની પુસ્તકમાં જ છુપાયેલો છે. જો શાળામાં ભણાવવામાં આવતા વિજ્ઞાનના સિદ્ધાંતોને યાદ કરીએ તો આ સવાલનો જવાબ આસાનીથી મળી જાય.
કોઇ પણ ચીજમાં પોતાનો રંગ નથી હોતો, પરંતુ જે-તે ચીજ પર પ્રકાશનાં કિરણો પડે ત્યારે એમાંથી કેટલાક રંગો શોષાઇ જાય છે અને કેટલાક રંગો પરાવર્તિત થાય છે જે પરાવર્તિત થાય છે એ રંગ આપણને દેખાય છે અને આપણે જે-તે ચીજનો રંગ નક્કી કરીએ છીએ. આ નિયમ મુજબ જો કોઇ વસ્તુ તમામ રંગોના કિરણો એબ્સોર્બ કરી લે તો એ કાળી દેખાય છે જ્યારે જે વસ્તુ તમામ રંગોના કિરણોને પરાવર્તિત કરી દે તો એ સફેદ રંગની દેખાય છે.
સાબુના ફીણમાં પણ આ નિયમ લાગુ પડે છે. ફીણ કોઇ ઠોસ ઘન પદાર્થ નથી. ફીણ પાણી, હવા અને સાબુપના કણોથી મળીને તૈયાર થયેલી પાતળી ફિલ્મ જેવું હોય છે. અત્યંત પાતળા પરપોતાઓ ભેગા મળીને ફીણ પેદા કરે છે. સાબુના પ્રત્યેક પરપોટા પર સુર્યના કિરણો પડે છે અને અલગ-અલગ દિશામાં એ પરાવર્તિત થવા લાગે છે. મતલબ કે કિરણો કોઇ એક જ દિશામાં જવાને બદલે અલગ-અલગ દિશાઓમાં વિખેરાઇ જાય છે. આ જ કારણોસર ફીણના પરપોટા સફેદ દેખાય છે. હકીકતમાં સાબુનું ફીણ સતરંગી પારદર્શક પરપોટાઓથી બને છે, પરંતુ એ એટલા સૂક્ષ્મ હોય છે કે સામાન્ય રીતે નરી આંખે રંગો જોઇ શકાતા નથી.