ગુજરાતમાં માર્ચ મહિનામાં કોરોના વાઇરસનો પગપેસારો થયા બાદ ‘ક્વોરન્ટીન’ શબ્દ ઘરેઘરે પ્રચલિત થયો છે. રસપ્રદ વાત એ છે કે એક તબક્કે મહાત્મા ગાંધીને પણ ક્વોરન્ટીન થવાની ફરજ પડી હતી. ગાંધીજીએ તેમની આત્મકથા સત્યના પ્રયોગોમાં આ અંગે ઉલ્લેખ કર્યો છે.
1896માં ગાંધીજી પરિવાર સાથે મુંબઈથી જહાજમાં દક્ષિણ આફ્રિકા જવા માટે રવાના થયા ત્યારે મુંબઈમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. તેથી જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા કાંઠે પહોંચ્યા ત્યારે ગાંધીજી તથા જહાજમાં સવાર તમામ લોકોને ક્વોરન્ટીન થવાની ફરજ પડી હતી.
તે સમયમાં જાણો શા માટે ગાંધીજીને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા, તો વાત એમ છે કે આત્મકથામાં ગાંધીજીએ નોંધ્યું છે કે ‘કુરલૅંડ’ નામના જહાજમાં તેઓ પરિવાર સાથે મુંબઈથી રવાના થયા છે. 1996ની 18કે 19મી ડિસેમ્બરે જહાજ ડરબનના બારામાં પહોંચે છે.
ગાંધીજીએ લખ્યું છે કે, ‘જો રસ્તામાં કોઈને ચેપી રોગ લાગુ પડ્યો હોય તો સ્ટીમરને સૂતકમાં-ક્વૉરૅન્ટીનમાં-રાખે છે.’ તેઓ પરિવાર સાથે મુંબઈથી રવાના થયા ત્યારે મુંબઈમાં મરકી (પ્લેગ)નો રોગચાળો હતો. તેથી ડરબન પહોંચેલા ગાંધીજીના જહાજને બંદરમાં જ અટકાવી દેવાયા હતા અને ગાંધીજી સહિત તમામ પ્રવાસીઓને ક્વોરન્ટીન કરાયા.
પ્લેગના રોગચાળામાં 23 દિવસ ક્વોરન્ટીન રહેવું પડે એવો નિયમ હોય છે. એટલે જહાજ મુંબઈથી ઉપડ્યું એ પછીના 23 દિવસ પૂરા થાય ત્યાં સુધી તમામ પ્રવાસીઓને ક્વોરન્ટીન થવાની ફરજ પાડવામાં આવે છે. જો કે ગાંધીજીએ નોંધ્યું છે કે માત્ર રોગચાળાને લીધે નહીં પણ દક્ષિણ આફ્રિકામાં તેઓ રાજકીય રીતે સક્રિય થયા હોવાથી યેનકેન પ્રકારે તેમને ભારત પરત મોકલી દેવાનો દક્ષિણ આફ્રિકાની સરકારનો ઈરાદો હતો. આ ઈરાદા સામે ગાંધીજી તથા જહાજના પ્રવાસીઓએ મક્કમતા દાખવતા અંતે 1897ની 23મી જાન્યુઆરીએ ક્વોરન્ટીનનો અંત આવે છે અને પ્રવાસીઓને જહાજમાંથી ઉતરવાની મંજૂરી આપવામાં આવે છે.