કોરોના વાયરસનો કહેર દેશ અને દુનિયામાં પ્રસરી રહ્યો છે,તેની સાથે કોરોના વાયરસને લઇને અફવાઓએ પણ જોર પકડ્યુ છે,તો અફવાઓનો દોર રોકવા માટે દુનિયાની સૌથી લોકપ્રિય એપ વોટ્સએપે એક મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં અત્યારે વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર કોરોના વાયરસને લઈને અફવાઓ ફેલાવામાં આવી રહી છે. જેથી વોટ્સએપે હવે મેસેજ ફોરવર્ડિંગને મર્યાદિત કરી દીધું છે. જેમાં હવે વોટ્સએપ યુઝર્સ કોઈપણ મેસેજને એકવારમાં માત્ર એક જ યુઝરને ફોરવર્ડ કરી શકશે. અગાઉ એક મેસેજને એકસાથે પાંચ લોકોને ફોરવર્ડ કરવાની સુવિધા હતી.
હકીકતમાં કોરોના વાયરસને લઈને સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના ફેક સમાચારો શેર કરવામાં આવી રહ્યાં છે, જે ટ્વિટર, ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ માટે એક પડકાર છે. આને ધ્યાનમાં રાખીને ફેસબુકની માલિકીની કંપની વોટ્સએપે મેસેજ ફોરવર્ડિંગ માટે નવી મર્યાદા નક્કી કરી છે, જે મુજબ તમે એક સમયે એક જ વ્યક્તિને મેસેજ ફોરવર્ડ કરી શકો છો.
અગાઉ ફેસબુક પણ તેના પ્લેટફોર્મ પર ફેક સમાચારો પર લગામ લગાવવા માટે આ પ્રકારનો નિર્ણય લઈ ચૂકી છે. જ્યારે ગૂગલ પણ ફેક સમાચારોને ફ્લેગ કરી રહ્યું છે. આ સિવાય ફેક સમાચારને અટકાવવા માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પણ ફિલ્ટર કરી રહી છે.
વોટ્સએપના આ નિર્ણયની ઘણી પ્રશંસા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કંપનીનો આ નિર્ણય આવકાર્ય છે. આનાથી ચોક્કસપણે ફેક સમાચારને રોકવામાં મદદ મળશે. તમને જણાવી દઈએ કે, દુનિયાભરમાં વોટ્સએપના બે અબજ કરતા વધારે એક્ટિવ યુઝર્સ છે, જ્યારે ભારતમાં 40 કરોડથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે.