ભારતમાં Corona વાયરસનો કહેર યથાવત છે. આ મહામારીને ધ્યાનમાં લેતાં ઉત્તર પ્રદેશ અને દિલ્હીની સરકારોએ પોતાના રાજ્યોમાં અનેક હૉટસ્પોટ વિસ્તારોને સીલ કરી દીધાં છે. એક તરફ જ્યાં દિલ્હી સરકારે 20 હૉટસ્પોટ સીલ કરી દીધાં, ત્યાં ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યના 15 જિલ્લાના હૉટસ્પોટ વિસ્તારોને સીલ કરવાનો નિર્ણય લીધો છે.
હકીકતમાં એવી સંભાવનાઓ જણાવવામાં આવી રહી છે કે દેશના અનેક હિસ્સાઓમાં આવનારા કેટલાંક સમયમાં એવા ઘણાં હૉટસ્પોટ વિસ્તારો સીલ કરવામાં આવી શકે છે. ચાલો તમને જણાવીએ કે આ હૉટસ્પોટ શું છે, તે કેવી રીતે સીલ કરવામાં આવે છે અને સીલ થયા બાદ આ વિસ્તારમાં રહેતા લોકો શું કરી શકે છે અને શું નહી.
હોટસ્પોટ શું છે?
કોરોનાવાઈરસના સમયમાં એ વિસ્તાર જ્યાં ઘણાં પોઝિટિવ દર્દી મળ્યા હોય અને આગળ જતા પણ આ વિસ્તારમાં સંક્રમણ ફેલાવવાની શકયતા વધુ હોય તેને હોટસ્પોટ કહેવામાં આવે છે.
કેવી રીતે થાય છે સીલ?
હૉટસ્પોટ વિસ્તારોમાં લૉકડાઉનનું 100 ટકા પાલન થવું જ એક રીતે તે વિસ્તારને સીલ કરવો કહેવામાં આવે છે. આ દરમિયાન વિસ્તારમાં કોઇ દુકાન નહી ખુલે. વિસ્તારમાં પ્રવેશ અને બહાર જવાના રસ્તે પોલીસની વેરિકેડિંગ હશે. લોકોને આસપાસ પણ જવાની પરવાનગી નહી હોય. હૉટસ્પોટ માટે વિશેષ પાસ જારી કરવામાં આવે છે.
શું કરી શકાય અને શું નહિ?
આમ તો લોકડાઉનમાં જ લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ હોય છે પરંતુ હોટસ્પોટ વિસ્તારને સીલ કર્યા બાદ આ સખ્તાઈને વધુ વધારવામાં આવે છે. લોકોને કોઈ પણ જગ્યાએ જવાની પરવાનગી હોતી નથી.
કોણ જઈ શકે છે?
હૉટસ્પોટ વાળા વિસ્તારમાં ફક્ત તેવા લોકોને જ છૂટ મળે છે જે પાસ સાથે જાય છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડે પણ હૉટસ્પોટમાં એન્ટ્રી લેવા માટે પરવાનગી લેવી પડશે. હૉટસ્પોટમાં મીડિયાના પ્રવેશ પર પણ રોક હોય છે.
જરૂરી સામાન જ ઉપલબ્ધ થશે?
સીલ દરમિયાન લોકોને જરૂરી સામાન માત્ર હોમ ડિલીવરી દ્વારા આપવામાં આવશે. પ્રશાસન દ્વારા ફળ, શાકભાજી, દવા, રેશન વગેરેને હોમ ડિલીવરીના માધ્યમથી દરેક ઘરમાં પહોંચાડવામાં આવશે. ઘરે-ઘરે જઈને તપાસ કરવામાં આવશે કે કોઈ પણ વ્યક્તિમાં કોરોનાના સંક્રમણના લક્ષણ તો નથીને અથવા તો વ્યક્તિ કોવિડ પોઝિટિવ દર્દીના સંપર્કમાં તો આવ્યો નથીને.
ઉત્તર પ્રદેશની વાત કરીએ તો રાજ્ય સરકારે દિલ્હી પાસે આવેલા નોએડા સહિત અન્ય 15 જિલ્લાના હૉટસ્પોટ વિસ્તારો સીલ કરવાનો નિર્ણય લીધો છે. આ વિસ્તાર બુધવારે રાતે 12 વાગ્યાથી 15 એપ્રિલ સવાર સુધી સીલ રહેશે. જરૂરી સામાન માટે લોકોએ આ નંબર 18004192211 પર કોલ કરવાનો રહેશે.