ઉત્તર પ્રદેશના કાનપુરમાં અપરાધી વિકાસ દુબેને યૂપી એસટીએફે ઠાર માર્યો છે. ઉજ્જૈનથી પકડાયેલો વિકાસ દુબે યૂપી એસટીએફની 3 ગાડીઓની મદદથી લગભગ 700 કિમી દૂર કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. કાનપુરના દેહાતમાં અચાનક એસટીએફની એ ગાડી પલટી ખાઈ ગઈ જેમાં વિકાસ દુબે હતો.
ત્યારબાદ જે એન્કાઉન્ટર શરૂ થયું તેમાં 10 મિનિટમાં જ વિકાસ દુબેનું મોત થયું અને 4 સિપાહીઓ પણ ઘાયલ થયા હતા. એસએસપી અને હોસ્પિટલના ડોક્ટર્સે વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી છે. કાનપુરના મોહિત અગ્રવાલે પણ ગેંગસ્ટર વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી છે.
કાનપુરના એસએસપી દિનેશ કુમાર પ્રભુએ જણાવ્યું કે એસટીએફની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ સમયે આરોપી વિકાસ દુબેએ કારમાં સવાર પોલીસકર્મીની પિસ્તોલ છીનવી અને ફાયરિંગ સાથે ભાગવાની કોશિશ કરી.
આ સમયે એસટીએફની અન્ય ગાડીઓ પણ પહોંચી અને પોલીસની જવાબી કાર્યવાહી એટલે કે ફાયરિંગમાં વિકાસ દુબેને ગોળી વાગી હતી. આ ઘટનામાં 4 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે જેમાં એક ઈન્સ્પેક્ટર, એક એએસઆઈ અને બે સિપાહી સામેલ છે.
યૂપીનો મોસ્ટ વોન્ટેડ અપરાધી વિકાસ દુબે ઉજ્જૈનમાંથી પકડાયો હતો. મધ્યપ્રદેશ પોલીસે તેને યૂપી પોલીસને સોંપ્યો હતો. તેને સડક માર્ગે યૂપી એસટીએફની ટીમ કાનપુર લાવી રહી હતી. આ પહેલાં ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ગુરુવારે એક વ્યક્તિએ યૂપીને મોસ્ટ વોન્ટેડ અપરાધી વિકાસ દુબે કહેવાનો ડ્રામા કર્યો.
મળતી માહિતી અનુસાર મહાકાલ મંદિર પરિસરમાં પહોંચીને તે પોતાને વિકાસ દુબે કહેવડાવી રહ્યો હતો. મંદિરના સુરક્ષા ગાર્ડે તેને પકડ્યો અને પોલીસને સૂચના આપી. મહાકાલ સ્ટેશન પોલીસ તેને ગાડીમાં બેસાડીને કંટ્રોલ રૂમ તરફ આગળ વધી. જ્યારે પોલીસે તેને પકડ્યો ત્યારે પણ તે બૂમો પાડી રહ્યો હતો કે હું વિકાસ દુબે છું…કાનપુરવાળો.