લોકડાઉન દરમિયાન વીડિયો કોન્ફ્રન્સિંગ કોલમાં વધારો જોવા મળ્યો છે. વર્ક ફ્રોમ હોમથી લઈને ઓનલાઈન ક્લાસિસ તમામ કામ વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
વધતી માગને ધ્યાનમાં રાખતા ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ એક એડવાઈઝરી જારી કરી છે. TRAIએ લોકોને ઓડિયો કોન્ફરન્સ પ્લેટફોર્મથી કનેક્ટ થતી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તાજેતરમાં કેટલાક લોકોએ વીડિયો કોલિંગ અને ઓનલાઈન ઓડિયો કોલિંગને લઈને ફરિયાદ કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે કોલિંગ બાદ તેમની મોટી રકમ ચૂકવવી પડે છે.
ફરિયાદ બાદ TRAIએ પોતાની એડવાઈઝરીમાં કહ્યું કે, કોઈપણ ઓનલાઈન વીડિયો અથવા ઓડિયો કોલ સાથે કનેક્ટ થતા પહેલા તેની શરતો અને ચાર્જ વિશે જાણકારી મેળવો.
TRAIના જણાવ્યા પ્રમાણે, ગ્રાહકોએ ઓડિયો કોલથી ઓનલાઈન કોન્ફ્રન્સિંગ જૉઇન કરતા પહેલા તે નંબરો અને હેલ્પલાઈન નંબર પરના કોલ રેટ તપાસો. ઓથોરિટીએ એડવાઈઝરીમાં કહ્યું કે, TRAIના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ગ્રાહકોને બીલ પેટે મસમોટી રકમનો સામનો કર્યો પડ્યો, જ્યારે તેઓ ઓડિયો કોલ દ્વારા કોઈ ઓનલાઈન કોન્ફરન્સિંગ પ્લેટફોર્મથી કનેક્ટ થયા હતા અથવા તેમનાથી ભૂલથી આંતરરાષ્ટ્રીય ફોન નંબર અથવા પ્રીમિયમ નંબર ડાયલ થઈ ગયો હતો.
ગત મહિને TRAIએ આંતરરાષ્ટ્રીય કોલ ચાર્જમાં શુક્રવારે વધારો કરવાની છૂટ આપી હતી. અગાઉ તે 30 પૈસા પ્રતિ મિનિટ હતો.