કોરોના વાયરસ એક ફેફસાનો રોગ છે અને તેનો ગંભીર કેસ શ્વાસ લેવામાં તકલીફ અને ન્યુમોનિયા જેવી બિમારીને નોતરી શકે છે જેના પરિણામે દર્દીનું મોત થાય છે અથવા તે કોમામાં જઈ શકે છે. હવે કોરોના વાયરસના હુમલા દરમિયાન દર્દીના શ્વાસોચ્છવાસને નિયમિત રાખવા માટે વેન્ટિલેટરનો ઉપયોગ થાય છે. તો એ જાણવું જરુરી છે કે આ વેન્ટિલેટર શું છે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે અને આ મહામારીમાં વેન્ટિલેટરની અછત કેમ લાખો મોતનું કારણ બની શકે છે?
દુનિયાભરમાં વેન્ટિલેટરની અછત પૂરી કરવા માટે કાર કંપનીઓ સહિતની અલગ અલગ કંપનીઓએ મદદ કરવાની તૈયારી દર્શાવી છે. નોંધનીય છે કે કોરોના વાયરસના લગભગ ૬% દર્દીઓ જે મોટા ભાગે વૃદ્ધ દર્દીઓ છે તેમને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડે છે. અત્યારે ઇટાલી અને સ્પેનના અનુભવ પરથી લાગી રહ્યું છે કે દુનિયાભરમાં જે રીતે દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા મેડિકલ સાધનોની કમી વર્તાઈ શકે તેવી પૂરી શક્યતા છે. વેન્ટિલેટર વિના બચી શકવાની શક્યતા ધરાવતા ઘણા દર્દીઓ મોતને ભેટી શકે છે.
વેન્ટિલેટર શું છે?
વેન્ટિલેટર એક મિકેનિકલ સાધન છે જેનું શ્વસન તંત્ર ખોટકાઈ ગયું હોય તેને સપોર્ટ આપવા માટે વપરાય છે. વેન્ટિલેટર મુકતા પહેલા દર્દીને એનેસ્થેસિયા આપીને બેભાન કરાવવામાં આવે છે ત્યાર બાદ તેના મોઢા વડે અથવા તેના ગળામાં કાણું પાડીને એક ટ્યુબ તેની શ્વાસનળી સુધી મુકવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ડોક્ટરને પોતે ઇન્ફેકશન ન લઈ જાય તેનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. આ ટ્યુબને વેન્ટિલેટર સાથે જોડવામાં આવે છે જે વેન્ટિલેટરમાં મેડિકલ સ્ટાફ કેટલા પ્રમાણમાં હવા અને ઓક્સિજનની માત્રા ફેફસામાં દાખલ થશે તે નક્કી કરે છે.
દર્દીને ક્યારે વેન્ટિલેટર ઉપર મુકવો પડે છે?
દર્દીનું શ્વસન તંત્ર ફેઈલ થઇ રહ્યું હોય ત્યારે તે ભાન ગુમાવવા માંડે છે. તેના લોહીમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધતી જાય છે અને તે મુંઝારો અનુભવે છે. સામાન્ય રીતે એક મિનિટમાં ૧૫ શ્વાસ લેવાતા હોય છે પણ દર્દીના શ્વાસ વધીને એક મિનિટમાં ૨૮ શ્વાસ સુધી પહોચી જાય ત્યારે વેન્ટિલેટરની જરૂર પડે છે. દર્દીને માસ્ક અને ઓક્સિજન ટેંકથી પણ સપોર્ટ આપી શકાય છે પણ જો તે સમયે દર્દી ખાંસે કે છીંક ખાય તો ઇન્ફેકશન તો ખતરો વધી જાય છે.
કેટલી જલ્દી દર્દીને વેન્ટિલેટર ઉપર મુકવો પડે છે અને કેટલા સમય માટે મુકવો પડે છે?
દર્દી માસ્ક અને ઓક્સિજન ઉપર થોડો સમય રહી શકે છે પણ ગંભીર સ્થિતિમાં તેને ૩૦ મિનિટમાં વેન્ટિલેટર સપોર્ટ આપવાની જરૂર પડે છે. દર્દીને અઠવાડિયાઓ સુધી વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડી શકે છે.
આ અછત કેવી રીતે ઘટાડી શકાય?
અત્યારે એમ્બ્યુલન્સમાં ફીટ કરેલા વેન્ટિલેટરનો બેક અપ તરીકે ઉપયોગ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રાણીઓ માટે બનાવવામાં આવેલા વેન્ટિલેટર પણ માણસો ઉપર કામ કરી શકે તે માટે તપાસ ચાલી રહી છે. જો કે સૌથી કારગર અને અસરકારક ઉપાય એક જ છે કે જો વધુ પ્રમાણમાં લોકો આ ઇન્ફેકશનથી બચી શકશે તો હોસ્પિટલ ઉપર દબાણ ઉભું નહિ થાય. આ માટે WHO અને સરકારે આપેલી ગાઈડલાઈન્સ, લોક ડાઉન, સોશ્યલ ડિસ્ટન્સિંગ વગેરેનો કડક અમલ કરીને આ રોગથી બચીને આ વેન્ટિલેટરની અછતની સમસ્યા ઉકેલી શકીએ છે. જો આમ ન થયું તો હોસ્પિટલમાં કયા દર્દીઓને ટ્રીટમેન્ટ મળશે અને કયા દર્દીઓને સાધનની અછત ના કારણે ટ્રીટમેન્ટ નહિ મળે તેની કડવી પસંદગી ડોકટરોએ કરવી પડશે.