ભારતે વાઘોની ગણતરીને લઈને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતમાં લક્ષ્યના ચાર વર્ષ પહેલાં વાઘની સંખ્યા બમણી થઈ ગઈ છે. તેના માટે ધ ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશ દ્વારા 1 લાખ 21 હજાર 337 ચોરસ કિલોમીટરમાં સર્વે કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ સર્વે દરમિયાન 26 હજાર 760 જગ્યાના જુદા જુદા લોકેશન પર કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરા દ્વારા વન્યપ્રાણીઓના 3.5 કરોડથી વધુ ફોટોગ્રાફ્સ લેવાયા હતા. જેમાંથી 76 હજાર 651 ફોટો વાઘના અને 51 હજાર 777 ફોટો દીપડાના છે.
આપને જણાવી દઇએ કે, વાઘ પર કરવામાં આવેલો આ સર્વે દુનિયાનો સૌથી મોટો સર્વે છે. જેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે. આ સર્વે 2018નો છે. પરંતુ રેકોર્ડની જાણકારી હવે સામે આવી છે. સર્વેમાં જણાવ્યા મુજબ દેશમાં 2 હજાર 967 વાઘ છે. આ સમગ્ર મામલે પર્યાવરણ મંત્રી જાવડેકરે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.