ઉજાસના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. વાઘ બારસની આજરોજ ઉજવણી કરવામાં આવશે અને તેની સાથે જ દિવાળીના તહેવારોનો પણ પ્રારંભ થઇ જશે. શુક્રવારે ધનતેરસ, શનિવારે દિવાળી અને રવિવારે બેસતા વર્ષની ઉજવણી કરવામાં આવશે. વાઘ બારસથી ઉંબરાના પૂજનની શરૃઆત થાય છે. વાઘ બારસને વસુ બારસ, વાક બારસ, પોડા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાઘ બારસના પર્વમાં સરસ્વતી માતાની આરાધના અને ગાયનું પૂજન કરવાનો મહિમા છે. એવી લોકવાયકા છે કે ગૌમાતા આસો વદ બારસના જ ક્ષીર સાગરમાંથી પ્રગટ થયા હતા. એક માન્યતા એવી પણ છે કે વાઘ નામના દૈત્યને મારવામાં આવ્યો હોવાથી આ દિવસની ઉજવણી વાઘ બારસ તરીકે કરવામાં આવે છે.
આ દિવસ વાગ એટલે કે સરસ્વતી માતાની ઉપાસનાનો છે ત્યારે આ દિવસે ભગવતી સરસ્વતીના જાપ કરવાથી અદ્ભૂત પરિણામ મળતા હોય છે. વાઘ બારસના દિવસે ગાય,વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. ભવિષ્ય પુરાણ અનુસાર, ગૌમાતાના પૃષ્ઠભાગે બ્રહ્મનો વાસ છે, ગળામાં વિષ્ણુ, મુખમાં રૂદ્રનો, મધ્યમાં સમસ્ત દેવતાઓ અને પૂંછડીમાં અનંત નાગ તેમજ ગૌમૂત્રમાં ગંગા વગેરે નદીઓ અને નેત્રોમાં સૂર્ય ચંદ્ર બિરાજમાન છે અને માટે જ આ દિવસે સ્ત્રીઓ તેમના પુત્રની સલામતી અને દીર્ઘાયુની કામના તેમજ પરિવારની ખુશી માટે આ પર્વ ઉજવે છે