જો તમે કોઈ હોટેલમાં જાઓ અને ત્યાં તમારા સ્વાગત માટે ડાયનોસોર હોય તો? કમજોર વ્યક્તિનું તો હ્રદય જ બેસી જાય. જો આવો કોઈ અનુભવ કરવો હોય તો જાપાનની આ હોટેલ ઘણી ખાસ છે. જી, હા જાપાનની એક હોટેલમાં ડાયનોસોર મહેમાનોનું સ્વાગત કરે છે. જો કે આ ડાયનોસોર અસલી નથી પરંતુ રોબોટ છે. જ્યાં સુધી ગેસ્ટ રીસેપ્શન સુધી પહોચી કોઈ સવાલ ન કરે ત્યાં સુધી આ ડાયનોસોર કોઈ જવાબ આપતા નથી. તો આવું કેમ ચાલો જાણીએ.
ટેકનોલોજીનો પ્રભાવ:
વાત એમ છે કે, ડાયનોસોર સેન્સર આધારે કામ કરે છે. અને આ સેન્સર રીસેપ્શન પર ગોઠવવામાં આવ્યા છે. ત્યારબાદ રોબો ડાયનોસોર મહેમાનનું સ્વાગત કરે છે. જાપાનની આ વિચિત્ર હોટેલનું નામ પણ હેન ના છે. જેનો અર્થ પણ વિયર્ડ એટલે કે વિચિત્ર એવો જ થાય છે.
રીસેપ્શનની જોડીનો આ છે કમાલ:
માહિતી મુજબ, જાપાનની આ પહેલી એવી હોટેલ છે જ્યાં ડાયનોસોર કામ કરે છે. રોબો-ડાયનોસોરની એક જોડી રીસેપ્શન પર હોય છે. જેને જોઇને જુરાસિક પાર્ક ફિલ્મની યાદ આવી શકે. આ રોબો જોડી મહેમાનને ભાષા પસંદ કરવાનો મોકો પણ આપે છે. ડાયનોસોર પાસે એક ટેબ્લેટ હોય છે જેમાંથી મહેમાન જાપાની, ઈંગ્લીશ, ચીની, કોરિયાઈ જેવી ભાષા પસંદ કરી શકે છે. આ રોબો જોડી ખુબ આકર્ષક છે. મોટા કદની આ જોડીના હાથ પણ ઘણા લાંબા છે.
બીજી પણ છે વિશેષતાઓ:
આ હોટેલની ખાસિયત અહી પૂરી નથી થતી. કેમકે હોટેલના દરેક રૂમમાં એક મીની રોબોટ પણ હાજર છે. જે ટીવી ઓન કરવાથી લઈને ઓર્ડર પ્લેસ કરવા સહીતના દરેક કામ કરે છે. હોટેલની લોબીમાં રહેલા એક્વેરિયમમાં બેટરી દ્વારા માછલી તરે છે અને એ દરમિયાન તેના શરીરમાં લાઈટ થતી રહે છે.