કંપનીઓ પોતાના પ્રોડક્ટ વેચવા માટે નીત નવી યોજનાઓ શોધી કાઢે છે. ચીનની એક રિયલ એસ્ટેટ કંપનીએ ગ્રાહકોને લલચાવવા માટે એક જોરદાર રીત શોધી કાઢી છે. જેની દુનિયાભરમાં ચર્ચા છે. વાત જાણે એમ છે કે કંપનીએ ઘર કે અન્ય પ્રોપર્ટીની ખરીદી પર ડાઉન પેમેન્ટ તરીકે ઘઉ અને લસણ લેવાનું શરૂ કર્યું છે. સાંભળવામાં આ વિચિત્ર લાગશે પરંતુ આ બિલકુલ સાચુ છે.
એક રિપોર્ટ મુજબ ચીનના હેનાનમાં આવેલા સેન્ટ્રલ ચાઈના રિયલ એસ્ટેટ નામની એક કંપનીએ આ યોજના શરૂ કરી છે. કંપનીએ આ માટે વિધિવત રીતે એક જાહેરખબર પણ બહાર પાડી છે. કંપની ઘરો માટે ડાઉન પેમેન્ટ તરીકે ઘઉ અને લસણ લેવાની રજૂઆત કરી રહી છે. રિપોર્ટ મુજબ બંને પાકની કિંમત 2 યુઆન પ્રતિ કેટી છે. અત્રે જણાવવાનું કે કેટી ચીનનું એક યુનિટ છે. જે લગભગ 500 ગ્રામ બરાબર છે. રિપોર્ટમાં કહેવાયું છે કે કંપનીએ ખરીદારોને આ યોજનામાં ઘર માટે 160000 યુઆન ( લગભગ 18.6 લાખ રૂપિયા) નું ડાઉન પેમેન્ટ નક્કી કર્યું છે.
કંપનીના એક સેલ્સ એજન્ટે જણાવ્યું કે આ સ્કીમને શરૂ ક રવાનો હેતુ વિસ્તારના ખેડૂતોને કંપની તરફ આકર્ષિત કરવાનો છે. આ જાહેરખબર ખાસ ખેડૂતો માટે જ છે. કંપનીની આ ઓફર સોમવારે શરૂ થઈ અને 10 જુલાઈ સુધી રહેશે. એજન્ટે નામ ન જણાવવાની શરતે કહ્યું કે કંપની 600000 થી 900000 યુઆન સુધીના ઘરોનું વેચાણ કરી રહી છે.
સેન્ટ્રલ ચાઈના રિયલ એસ્ટેટ કંપનીએ ગત મહિને એક અન્ય જાહેરખબર પણ બહાર પાડી હતી. આ જાહેરખબરમાં કંપનીએ કહ્યું હતું કે ઘર ખરીદવા માટે ઈચ્છુક પાંચ યુઆન પ્રતિ કેટીના દરથી ડાઉન પેમેન્ટ માટે લસણનો ઉપયોગ કરી રહ્યા છે. જાહેરખબરમાં કહેવાયું હતું કે લસણના આ પ્રમોશનથી 852 લોકો પ્રભાવિત થયા અને 30 ડીલ થઈ. લસણ અને ઘઉનો જથ્થાબંધ બજારમાં ભાવ 1.5 યુઆન પ્રતિગ્રામ છે. ત્યારબાદ હવે કંપનીએ ઘઉના બદલે ઘર આપવાની ઓફર બહાર કાઢી છે.