સોશિયલ મીડિયા પર નવરા બેસેલા લોકો કંઇ પણ લખતા અને શેર કરતા રહે છે અને આવા લોકોના કારણે ઘણી અફવાઓ લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે. અવારનવાર કંઈક એવું વાયરલ થાય છે, જેમાં ન તો માથું હોય છે ન તો પગ. હવે જરા વિચારો, શું એવું બની શકે કે ભારત સરકાર લોકોના ઘરમાં દારૂની પાઇપલાઇન પાથરે? તમે પણ આ વાત પર હસી રહ્યા હશો, પરંતુ હવે પીઆઈબીએ આ સમાચાર પર ફેક્ટ-ચેક કરવું પડ્યું. જ્યાં દેશમાં પાણીની પાઈપલાઈન યોગ્ય રીતે નથી ત્યાં દારૂની પાઈપલાઈન કેવી રીતે હોઈ શકે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ સમાચાર મુજબ ભારત સરકાર ઘરોમાં દારૂની પાઈપલાઈન નાખવા જઈ રહી છે.
શું છે પૂરો મામલો?
ચાલો તમને જણાવી દઇએ કે, શું છે આખો મામલો, હકીકતમાં સોશિયલ મીડિયા પર એક ફોર્મ વાયરલ થઇ રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર દારૂના પાઇપલાઇન કનેક્શન માટેની અરજી… નીચે નિયમો અને કાયદાઓ પણ બતાવવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે માનનીય વડા પ્રધાને દરરોજ દારૂ પીનારા લોકો માટે દારૂનું પાઇપલાઇન કનેક્શન આપવા માટેની અરજીઓ કરી છે.
ઈચ્છા ધરાવનાર વ્યક્તિ આ અરજી ફોર્મને 11 હજાર રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ભરીને પ્રધાનમંત્રી કાર્યાલયમાં જમા કરાવે. હવે જે પણ નકામી વ્યક્તિએ આ કામ કર્યું છે, તેને હિન્દી પણ બરાબર લખતા નથી આવડતું. તેમણે વધુમાં લખ્યું છે કે, અરજીપત્રક મળ્યાના એક મહિના બાદ ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને તમારા ઘરે મીટરવાળી દારૂની પાઇપલાઇન નાખવામાં આવશે. બાદમાં વપરાશ મુજબ બિલ આવશે.
આ આવેદન પત્રમાં અરજદારનું નામ, સરનામું અને ફોટો પણ માંગવામાં આવ્યા છે. હવે યુઝર્સ તેના પર ખુબ જ મસ્તી કરી રહ્યા છે. લોકો પંચાયતની વેબ સિરીઝ પાર્ટ 2ને ઘણા બધા મીમ્સ બનાવીને શેર કરી રહ્યા છે. પીઆઈબીએ પણ આ મામલે મશ્કરી કરી હતી. પીઆઈબીએ પોતાના ટ્વીટમાં લખ્યું, “ચિલ મિત્રો, તમારી આશાઓને આટલી ઉંચાઈએ પણ ન લઈ જાઓ. આ ટ્વીટ પર લોકો ફની કમેન્ટ્સ પણ પોસ્ટ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે જેમણે 11,000 રૂપિયાની ડીડી બનાવીને આપી છે, તેમનું હવે શું થશે?