કોરોનાથી બચવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું જેની સૌથી મોટી અસર ઉદ્યોગ-ધંધાને પડી છે. જેના કારણે સીધી અસર અર્થતંત્ર પર પડતાં મોટો ફટકો પડ્યો છે. સ્ટેટ બેંકના એક અહેવાલ મુજબ કુલ 30 લાખ કરોડથી પણ વધારે નુકસાનનો દાવો કરવામાં આવ્યો છે જેમાં ગુજરાત ટોપના ત્રણ રાજ્યોમાં સામેલ છે.
દેશ કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે કોરોના સંકટથી દેશને બચાવવામાં લોકડાઉનનાં કારણે દેશના અર્થતંત્રને જોરદાર ફટકો લાગ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ જ્યારે દેશમાં પહેલીવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યો ત્યારે 2.6% નાં જીડીપી દરનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જે બાદ વિવિધ સ્તરમાં લોકડાઉનના કારણે ઘટીને નેગેટિવ 4.7% પર પહોંચી ગયો. જોકે લોકડાઉનના ચોથા તબક્કામાં કેટલાક ધંધા-રોજગાર ફરી શરુ થઇ રહ્યા છે.
લોકડાઉનના કારણે વિવિધ રાજ્યોને GSDP ના 13.5% 30.3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ નુકસાનમાં 50% નુકસાન માત્ર રેડ ઝોનમાં થયું જ્યારે ઓરેન્જ અને રેડ ઝોન બંનેના મળીને 90% નુકસાન થયું. અહેવાલમાં જાણવા મળ્યું છે કે દેશના ગ્રીન ઝોન કે જે મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં છે ત્યાં સૌથી ઓછું નુકસાન નોંધાયું છે.
દેશમાં થયેલ કુલ નુકસાનનો અંદાજ જોવામાં આવે તો ટોચના 10 રાજયોમાં જ કુલ નુકસાનનું 75% નુકસાન નોંધાયું છે. જે રાજ્યોમાં અત્યારે કોરોના વાયરસનો સૌથી વધારે પ્રકોપ છે તેવા મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુને અર્થતંત્રમાં પણ સૌથી વધારે નુકસાન થયું છે જેમાં મહારાષ્ટ્ર ટોચ પર છે.
મહારાષ્ટ્રને કુલ 4,72,433 કરોડ રૂપિયાનું નુકસાન થયું જયારે ગુજરાત આ યાદીમાં ત્રીજા ક્રમે છે. કોરોના વાયરસના લોકડાઉનના કારણે ગુજરાતને GSDPના 15% એટલે કુલ 2,61,386 કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે જેમાં 60.5% નુકસાન તો માત્ર રેડ ઝોનમાં થશે. બધા રાજ્યોના કુલ આંકડાંઓ મુજબ દેશને 30,33,704 કરોડ રૂપિયાનું નુકસાન થશે તેવું રિપોર્ટમાં જણાવાયું છે.