સમગ્ર દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક લોકોને ગરમીથી રાહત મળી છે તો કેટલાક લોકો માટે વરસાદ આફત બન્યો છે. વરસાદની સિઝનમાં પહાડી વિસ્તારો જેવા કે જૂનાગઢ, સાપુતારા સહિતના વિસ્તારોમાં લોકોને પોતાની કારમાં પરિવાર સાથે ફરવા જવાનું મન થતું હશે. પરંતુ આ જ મુશળધાર વરસાદને કારણે માર્ગ અકસ્માત સર્જાતા હોય છે. આ અકસ્માતનું મુખ્ય કારણ ઘણીવાર લોકોની બેદરકારી પણ હોય છે. વરસાદની સિઝનમાં કેટલાક લોકો પોતાની કારને બરાબર ચેક નથી કરતા. એટલે કે બ્રેક્સ, ટાયર પ્રેશર, વાઈપર વગેરે. મહત્વનું છે કે ચાલુ વરસાદમાં સાવધાની પૂર્વક કાર ચલાવવી જરૂરી છે.
બ્રેક ચેક કરાવવી–
વરસાદની ઋતુમાં કાર ચલાવતા દરમિયાન બ્રેક બોવ જરૂરી છે. તેથી હંમેશા બ્રેકની તપાસ કરાવવી જોઈએ. વાસ્તવમાં વરસાદની સિઝનમાં રસ્તાઓ પર બ્રેક મારવી થોડી મુશ્કેલ હોય છે. બ્રેકને યોગ્ય સમયે લાગે તે માટે જરૂરી છે કે બ્રેક્સ નિયમિતપણે ચેક કરવામાં આવે.
જરૂરી ટુલ્સ–
વરસાદની ઋતુમાં તમારા વાહનમાં જરૂરી સાધનો અને એસેસરીઝ હાજર હોવા જોઈએ. તમારી કારમાં મેડિકલ કીટ, USB ચાર્જર, ટોર્ચ, દોરડા, પાવર બેંક સાથે રાખવા જોઈએ. આ સિવાય પાના પક્કડ, સ્ક્રુ ડ્રાઈવર સહિતના સાધનો પણ હોવા ખુબ જરૂરી છે. જો તમારી કાર અધવચ્ચે જ ખરાબ થઈ જાય, તો તમારી પાસે રહેલી આ બધી વસ્તુઓ તમને કામ આવી શકે છે.
કાર સર્વિસ–
સામાન્ય દિવસો કરતા વરસાદની ઋતુમાં વાહનમાં ખરાબી થવાની સંભાવના વધુ રહે છે. આવી સ્થિતિમાં ચોમાસામાં વાહન ચલાવતા પહેલા તમારી કારની સર્વિસ કરાવી લેવી જોઈએ. આ સાથે, જો તમે ભારે વરસાદ દરમિયાન વાહન ચલાવતા હોવ તો પણ તમારે કારના નુકસાનની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.
વાહન ધીમે ચલાવવું–
વરસાદમાં ડ્રાઈવિંગ કરતી વખતે કાર સ્લિપ થવાનું જોખમ વધી જાય છે. તેથી, ચોમાસાની શરૂઆતમાં, તમારે તમારી કારના ટાયરની ગ્રીપ તપાસવી જોઈએ. જો કારનું ટાયર ખરાબ થઈ ગયું હોય તો તેને તરત જ બદલી નાખો. વરસાદની સિઝનમાં રસ્તાઓ ભીના હોય છે, જેના કારણે વાહન લપસી જવાનું જોખમ વધી જાય છે. તે જ સમયે, વરસાદની સિઝનમાં ખાડાઓમાં ભરાયેલા કાદવ અને પાણીને કારણે, કારના જૂના વ્હીલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.