કોરોના મહામારીની અસર આખા વિશ્ર્વમાં છે, જેને લઇ લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે દરેક શ્રેત્રમાં આ મહામારીની અસર જોવા મળી રહી છે,ત્યારે હવે ક્રિકેટ જગત માંથી પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
તો જાણવા મળી રહ્યું છે કે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી -20 વર્લ્ડ કપને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે ટેલિકોન્ફરન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આની સાથે જ ઈન્ડિયન પ્રીમિયર લીગ નું આયોજન કરવાનો માર્ગ મોકળો બન્યો.આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આઇસીસીએ કોવિડ -19 મહામારીને કારણે ઓસ્ટ્રેલિયામાં યોજનાર મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2020 મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
આપને જણાવી દઇએ કે, T-20 વર્લ્ડ કપ આગામી 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાવાનો હતો.આઇસીસીએ સોમવારે તેની બેઠક પછી પુષ્ટિ કરી કે કોવિડ -19 ને કારણે ટી 20 વર્લ્ડ કપ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ સાથે જ, આઇસીસીએ ત્રણ મુખ્ય આઇસીસી ટૂર્નામેન્ટની તારીખો પણ બદલી છે, જેમાં 2023 માં ભારતમાં રમાનારી ફીફ્ટી-ફિફ્ટી વર્લ્ડ કપનો સમાવેશ થાય છે.
હવે ટી 20 વર્લ્ડ કપ આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમવામાં આવશે. તેની ફાઈનલ 14 નવેમ્બર 2021 ના રોજ યોજાશે.ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મે મહિનામાં આઇસીસીને માહિતી આપી હતી કે હાલના સંજોગોમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવું લગભગ અશક્ય હશે અને 16 આંતરરાષ્ટ્રીય ટીમોને અલગ કરવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહેશે.