કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિશ્વના કરોડો લોકો અત્યારે પોતપોતાના ઘરોમાં કેદ થયા છે. ભારતમાં પણ ત્રણ મે સુધી લોકડાઉન લાગુ છે. આ દરમિયાન માત્ર જીવન જરુરી ચીજવસ્તુઓ માટે લોકોને બહાર નીકળવા માટે મંજુરી આપવામાં આવી છે. તો કેટલાક ઉદ્યોગોને 50 ટકા કર્મચારીઓ સાથે શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એવી માહિતી સામે આવી છે કે કોરોના વાયરસને વેક્સીન બન્યા બાદ જ ખતમ કરી શકાશે. પરંતુ વેક્સીન ક્યારે તૈયાર થશે તે અંગે હાલ કંઈ પણ કહી શકાય તેમ નથી.
તેવામાં હવે લોકો સામે એક નવો શબ્દ સામે આવી રહ્યો છે અને તે છે હર્ડ ઈમ્યૂનિટી. એક રિપોર્ટ આવ્યો છે કે, લોકોમાં હર્ડ ઇમ્યુનિટી એટલે કે સામૂહિક પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ જાય તો કોરોના સામે સરળતાથી લડી શકાશે. ભારત પણ હવે હર્ડ ઈમ્યુનિટીના પગલે ચાલે તેવુ લાગી રહ્યું છે. જે પ્રકારે સરકારે હવે દુકાનો-ઉદ્યોગોને છૂટછાટ આપી છે તે જોતા લાગી રહ્યું છે કે સરકાર આ વાયરસના સંક્રમણને આ જ રીતે કાબુ કરશે. પ્રિંસટન યુનિવર્સિટી અને સેંટર ફોર ડિજીજ ડાયનેમિક્સ, ઈકોનોમિક્સ એન્ડ પોલિસીના સંશોધનકર્તાનું કહેવું છે કે હર્ડ ઈમ્યુનિટીની તકનીક ભારતમાં કોરોનાથી લડવા માટે કારગર સાબિત થઈ શકે છે.
ભારતે પોલિયો-શિતળાની બિમારીને હર્ડ ઈમ્યુનિટી વધારીને હરાવ્યો
હર્ડ ઈમ્યુનિટીની વાત કરીએ તો ભારતે આ પહેલા પોલિયો તેમજ શિતળા જેવી બિમારીઓ માટે પણ રસીકરણ દ્વારા હર્ડ ઈમ્યુનિટી વધારીને હરાવી દીધો છે. ભારત પોલિયો મુક્ત દેશ પણ બન્યો છે. એક રિપોર્ટ મુજબ બ્રિટનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પૈટ્રિક વૈલેસએ સરકારને સલાહ આપી હતી કે, સરકાર કોરોના વાયરસની અસર ઘટાડવા માટે તેને વધુ વસ્તીમાં ફેલાવી દેવામાં આવે જેથી હર્ડ કમ્યુનિટી, સામૂહિક પ્રતિરોધકતા વિકસિત થાય અને કોરોનાને કાયમી ખતમ કરી શકાય. હાલમાં બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતનું ખંડન કરી કહ્યું છે કે બ્રિટનમાં આવો કોઈ નિર્ણય લેવાયો નથી.
શું હોય છે હર્ડ ઈમ્યુનિટી
દુનિયામાં કોરોનાથી લડવાના બે ખૂબ જ અલગ-અલગ હથિયાર છે. એક છે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને બીજું છે ઘરથી બહાર નીકળો. વાત પણ વ્યાજબી છે. ઘરોમાં લોકો ક્યાં સુધી પુરાઈને રહેશે. કારણકે આનાથી સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ખાડામાં જશે. દુનિયાને કોરોના વાયરસથી બચવા માટે કેટલાક વૈજ્ઞાનિકો હર્ડ ઈમ્યુનિટી અપનાવવાની સલાહ આપી રહ્યા છે, જેથી તેને ફેલાતો રોકી શકાય. આ વાત ખૂબ જ આશ્ચર્યજનક અને અજીબ છે, પરંતુ મેડિકલ સાયન્સની સૌથી જુની પદ્ધતિથી જોઈએ તો આ એક સત્ય છે. હર્ડ ઈમ્યુનિટી એટલે કે સામૂહિક પ્રતિરોધક ક્ષમતા. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં લોકોને બચાવવા માટે, વસ્તીના અમૂક ભાગને વાયરસથી સંક્રમિત થવા દેવો જોઈએ. જેથી તેમના શરીરમાં ચેપ સામે સામૂહિક ઈમ્યુનિટી એટલે કે પ્રતિરોધક ક્ષમતા બનશે. આનાથી શરીરમાં વાયરસ વિરુદ્ધ એન્ટીબોડીઝ બનશે. જેને તેમના શરીરમાંથી કાઢીને વેક્સીન તૈયાર કરવામાં મદદ મળી શકે છે. કારણકે આનાથી ફરી ક્યારેય આ વાયરસ ના તો તેમને સંક્રમિત કરશે ના તો બીજાને.
કોરોના સામે કેટલી કારગર સાબિત થશે હર્ડ ઈમ્યુનિટી
કોરોના સંક્રમિત થનારા મોટાભાગના લોકો ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવનારા છે. તેમાં મોટાભાગના દર્દીઓ મોટી ઉંમરના છે અથવા તો બ્લડ પ્રેશર, ડાયાબિટીસના દર્દીઓ છે. આવા લોકોમાં રસીકરણ અપનાવવામાં આવે તો ઘણો લાંબો સમય લાગી શકે તેમ છે. જાણકારોના મતે આ પ્રોસેસમાં એવા લોકોને સામેલ કરી શકાય કે, જેમની રોગપ્રતિકારક શક્તિ સારી હોય. જેમનામાં રોગપ્રતિકારક શક્તિ વધુ ડેવલપ થતી હોય. આ પદ્ધતિમાં હર્ડ કમ્યુનિટીમાં વધારે સમય લાગી શકે છે.
કેવી રીતે કરે છે કામ
હર્ડ કમ્યુનિટી ડેવલપ કરવા માટે સૌથી પહેલા બિમારી ફેલાવાના લક્ષણો અને તેને માટે જરૂરી હર્ડ ઇમ્યુનિટી લિમિટ ખબર હોવી જરૂરી છે. હર્ડ ઈમ્યુનિટી લિમિટ જાણવા માટે મહામારી વૈજ્ઞાનિકો આર ઓ અર્થાત પ્રજનન ક્ષમતા સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરે છે. તેને બેઝીક રીપ્રોડક્ટીવ નંબર-આરઓ કહેવામાં આવે છે.. આ જણાવે છે કે, કોઈ એક સંક્રમિત વ્યક્તિ દ્વારા બીજા કેટલા લોકો સંક્રમિત થઈ શકે છે… આ સ્ટાન્ડર્ડના આધાર પર જ તેનો પ્રયોગ આગળ વધારવામાં આવે છે. આઈસીએમઆરના રીપોર્ટ મુજબ કોરોનાથી પીડીત એક વ્યક્તિ અન્ય ચાર લોકોને સંક્રમિત કરી શકે છે. કમ્યુનિટી ટ્રાન્સમિશન અર્થાત સામુદાયિક પ્રસારમાં આ સંખ્યા વધી પણ શકે છે.